રાજકોટ : રાજકોટના વધુ એક બ્રિજમાં તિરાડ પડવાની ઘટના સામે આવી છે. જેમાં શહેરના મધ્યમાં નિર્માણ પામેલ હોસ્પિટલ ચોકમાં બ્રિજમાં છતના ભાગે તિરાડ પડી છે. જ્યારે એક વર્ષ પહેલાં જ આ બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તેમજ અંદાજિત 100 કરોડના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. એવામાં બ્રિજમાં તિરાડ પડતા હોબાળો મચ્યો છે. આ મામલે રાજકોટ કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યો છે તો મનપા દ્વારા બ્રિજ મામલે તપાસના આદેશ કરવામાં આવ્યા છે.
જવાબદારો સામે કાર્યવાહીની કોંગ્રેસની માંગ : હોસ્પિટલ ચોક બ્રીજમાં તિરાડ પડવા મામલે કોંગ્રેસના મહામંત્રી એવા મહેશ રાજપૂતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શહેરના હૃદય સમા એવા હોસ્પિટલ ચોકમાં સતત 24 કલાક વાહનોની અવરજવર રહે છે. જ્યાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે અહી એક વર્ષ પહેલાં જ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. એવામાં એક વર્ષની અંદર જ બ્રિજના મધ્યભાગમાં તિરાડો જોવા મળી રહી છે.
ભૂતકાળમાં પણ રાજકોટમાં સરકારી બાંધકામોમાં ભ્રષ્ટાચાર સામે આવ્યા છે. ત્યારે ફરી એક વખત શહેરના હોસ્પિટલ ચોકમાં બ્રિજમાં પણ કૌભાંડ થયું છે જેના કારણે તેમાં તિરાડો પડી છે. ત્યારે કોંગ્રેસ માંગ કરે છે કે રાજકોટ સહિતના રાજ્યના નવા નિર્માણ પામેલા બ્રિજોનું ફિટનેસ સર્ટિફિકેટ માંગવામાં આવે અને જવાબદાર સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે... મહેશ રાજપૂત ( કોંગ્રેસના મહામંત્રી)