રાજકોટ : હાલ વરસાદી વાતાવરણ છે. એવામાં આંખ આવવાના રોગ કન્જક્ટિવાઇટિસમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ આંખ આવવાના કેસમાં દૈનિક વધારો નોંધાયો છે. જેમાં છેલ્લા બે દિવસની વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસમાં દૈનિક 1200 જેટલા કેસ નવા આરોગ્ય કેન્દ્રમાં નોંધાઇ રહ્યા છે.
દવાના પુરવઠામાં વધારાની માગણી : જેની સામે આંખમાં નાખવાના ટીપાંની પણ જરૂરિયાતમાં વધારો થયો છે. ત્યારે તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રમાં કન્જક્ટિવાઇટિસની સારવારમાં વપરાતા આંખમાં નાખવાના ટીપા પૂર્ણ થઈ ગયા હતા. જેના કારણે રાજ્ય સરકાર પાસે આરોગ્ય કેન્દ્ર દ્વારા આ ટીપાંની માંગણી કરવામાં આવી હતી. જે અનુસંધાને 13000 જેટલા આંખમાં નાખવાના ટીપાંની બોટલો આવી પહોંચી હતી. ત્યારે આગામી દિવસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા હજુ પણ રાજ્ય સરકાર પાસે આંખમાં નાખવાના ટીપાંની માંગણી કરવામાં આવી છે. રાજકોટમાં કન્જક્ટિવાઇટિસ કેસ , આંખ આવવાના કેસમાં ઉછાળો આવતા આ મામલે અધિકારીએ માહિતી આપી હતી.
છેલ્લા બે દિવસથી રાજકોટ કોર્પોરેશનના 23 જેટલા આરોગ્ય કેન્દ્રમાં આંખ આવવાના દૈનિક 1200 કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં સરેરાશ આ કેસમાં ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે 1200 કેસમાંથી 1 હજાર જેટલા દર્દીઓને હાલ કોર્પોરેશનમાંથી આંખમાં નાખવાના ટીપાં પણ આપવામાં આવી રહ્યા છે. જેના કારણે આંખમાં નાખવાના ટીપાંની માંગ પણ વધી છે. એવામાં રાજ્ય સરકાર પાસેથી આંખમાં નાખવાના ટીપાંની વધુ માંગણી કરવામાં આવી છે. જ્યારે હાલમાં આંખના કેસમાં ઉછાળો આવતા આરોગ્યતંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે...ડો. જયેશ વાંકાણી(આરોગ્ય અધિકારી, રાજકોટ કોર્પોરેશન)
આગામી 20થી 25 દિવસ હજુ કેસ વધી શકે : આરોગ્ય અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. એવામાં આંખ આવવાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે આગામી 20 થી 25 દિવસ સુધી આ પ્રકારના કેસ જોવા મળી શકે છે. આંખ આવવાના કેસને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ વિદ્યાર્થીઓને નિશુલ્ક આંખમાં નાખવાના ટીપાં આપવામાં આવી રહ્યા છે. જ્યારે શાળા કોલેજોમાં પણ વિદ્યાર્થીઓને જો આંખ આવી હોય તો આંખે ચશ્મા પહેરીને આવવાની સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે. એવામાં હજુ પણ આગામી 20 થી 25 દિવસ સુધી આંખ આવવાના કેસમાં ધીમે ધીમે વધારો આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ આરોગ્યતંત્ર દ્વારા જણાવવામાં આવી રહી છે.
- Ahmedabad Conjunctivitis Case : શહેરમાં કન્જક્ટીવાઈટીસના કેસનો રાફડો ફાટ્યો, એક સપ્તાહમાં 35 હજાર કેસ
- Rajkot News: ઉપલેટાના ખ્યાતનામ આઈ-સર્જને આંખ સુરક્ષિત રાખવા ટિપ્સ આપી, જાણો શું
- Vadodara News: આંખને પણ 'આંખ' આવી, અભિયાન રૂપે સરકાર 'લાલ આંખ' કરશે?