રાજકોટ :આગામી ડિસેમ્બર મહિનાના અંતમાં 250 બેડ સાથેની મલ્ટી સ્પેશિયાલિટી સુવિધા સાથે એઇમ્સ રાજકોટ શરૂ થશે. તેમજ આગામી એક વર્ષમાં વધુ 750 જેટલા બેડની સુવિધાઓ ઉપલબ્ધ થશે. રાજકોટ એઇમ્સ વિધિવત રીતે શરૂ થઈ જશે ત્યારે સૌરાષ્ટ્રભરના અંદાજિત 12 જેટલા જિલ્લાઓના દર્દીઓને તેનો સીધો લાભ મળશે અને આ દર્દીઓને કોઈ મલ્ટી સ્પેશિયાલિટી સારવાર માટે અમદાવાદ સુધીના ધક્કા ખાવા પડશે નહીં તેમને તમામ સારવાર રાજકોટ એઇમ્સમાં મળી રહેશે.
એઇમ્સમાં હવે દર્દીઓ દાખલ થઈ શકશે : આ અંગે વધુ વિગતો આપતા એઇમ્સના ડાયરેક્ટર સીડીએસ કચોટે ઈટીવી ભારત સાથેની વાતમાં જણાવ્યું હતું કે આગામી ડિસેમ્બર મહિના સુધીમાં 250 બેડ સાથેની મલ્ટી સ્પેશિયાલિટી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. કેન્દ્ર તરફથી પણ અમને સૂચનાઓ આપવામાં આવી રહી છે અને હાલ કામગીરી પૂરજોશમાં છે.
જોકે હજુ પણ સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ અમારા તરફથી લગભગ તમામ તૈયારીઓ કરી લીધી છે. ડિસેમ્બર મહિનાના અંતમાં 250 બેડ સાથે 200 સિનિયર અને જુનિયર ડોક્ટરોની ટીમ અને અલગ અલગ 24 જેટલા વિભાગો કાર્યરત કરવામાં આવનાર છે. આ સાથે જ 300 કરતાં વધારે નર્સિંગ સ્ટાફની પણ ભરતી કરવામાં આવી છે. તેમજ જરૂર પડશે તે પ્રમાણે સ્ટાફની ભરતી કરવામાં આવનાર છે. સીડીએસ કચોટ (ડાયરેક્ટર, એઇમ્સ રાજકોટ)
સૌરાષ્ટ્રભરના દર્દીઓને મળશે સારવારનો લાભ : એઇમ્સના સૂત્રોના જણાવ્યા અનુસાર ડિસેમ્બર મહિનાના અંતમાં 250 બેડ સાથેની એઇમ્સને શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ માટે આરોગ્ય મંત્રાલય પર દ્વારા પણ પીએમઓનો સંપર્ક કર્યો છે. હાલ એઇમ્સ ખાતે ઓપીડી સેવાઓ ઉપલબ્ધ છે. એવામાં ડિસેમ્બર મહિનાના અંતથી આઇપીડી એટલે કે ઇન્ડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ પણ શરૂ કરવામાં આવનાર છે. જોકે એઇમ્સની કામગીરી હજુ એક વર્ષ પાછળ ચાલી રહી હોય તેવું પણ જાણવા મળ્યું છે. વર્ષ 2022ના ડિસેમ્બર મહિનામાં એઇમ્સમાં આઈપીડીની સેવા શરૂ થઈ જવાની હતી પરંતુ કોરોના કાળ સહિતની બાબતોને લઈને એક વર્ષ કામ મોડું થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં રૂ. 1200 કરોડના ખર્ચે એઇમ્સનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે.
- Rajkot News : રાજકોટ એઇમ્સ હોસ્પિટલની 64 ટકા કામગીરી પૂર્ણ, ઓક્ટોબરમાં શરૂ થવાની અપેક્ષા
- Rajkot Aiims Project: નવનિયુક્ત કલેકટરે સમીક્ષા કરી કહ્યું, ST બસ માટે સ્ટોપ મૂકાશે