રાજકોટ : રાજકોટ જામનગર હાઇવે ફરી રક્ત રંજીત બન્યું છે. આજે સવારે બનેલા આ ગંભીર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે મળતી પ્રાથમિક વિગત મુજબ પુર ઝડપે આવતી કાર અચાનક ટ્રેકટરના પાછળના ભાગમાં ઘૂસી ગઇ હતી. જેમાં કારમાં સવાર ત્રણ મિત્રો અને ટ્રેકટર ડ્રાઈવર સહિત કુલ ચાર લોકોના ઘટના સ્થળે મોત થયા છે.
રાજકોટ જામનગર રોડ પર અકસ્માત :હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જો કે રાજકોટ જામનગર રોડ પર અકસ્માતની ઘટના સામે આવ્યા બાદ શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ રાજકોટ જામનગર હાઇવે ઉપર અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે આજે ફરી એકવાર અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા છે.
આ પણ વાંચો Rajkot Accident: લૌકિક કાર્યો માટે જઈ રહેલા દંપતીને કાળ ભેટ્યો, માતા-પિતાનું અવસાન થતા પરિવાર માથે આભ તૂટ્યું
ચાર લોકોના ઘટના સ્થળે થયા મોત : રાજકોટ જામનગર હાઇવે પર અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જેમાં અજયભાઈ છગનભાઈ પરમાર, અજય પ્રવીણભાઈ જોષી, હિમાંશુ પ્રવીણભાઈ પરમાર અને ટ્રેકટર ચાલક કિરીટ લિંબાભાઈ ડોબરીયાનો સમાવેશ થાય છે. જ્યારે પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે કે કારમાં ત્રણ મિત્રો રાજકોટથી જામનગર તરફ જઇ રહ્યા હતા અને તે દરમિયાન પડધરી નજીક ટ્રેકટર સાથે અકસ્માત થયો હતો. જેમાં ત્રણેય મિત્રોના મોત અને ટ્રેકટર ચાલક એમ ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.
આ પણ વાંચો ST Bus Accident : ડ્રાઇવર પેસેન્જરની તકરારમાં એસટી બસ કાંસમાં ખાબકી, એકનું મૃત્યુ
પોલીસ તપાસ શરૂ :રાજકોટ જામનગર હાઇવે ઉપર પડધરી નજીક અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજતા તાત્કાલિક પડધરી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પડધરી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. જ્યારે મૃતકોની બોડીને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ મૃતદેહોના પંચનામા સહિતની વિવિધ કામગીરી પડધરી પોલીસે દ્વારા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ત્રણ મિત્રો રાજકોટથી જામનગર ખાતે જઈ રહ્યા હતા અને ત્રણેયના અકસ્માતમાં મોત થયા છે. જેને લઈને તેમના પરિવારજનોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે.