રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક દર બે મહિને યોજાય છે, ત્યારે આજે રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજાઇ હતી. જોકે જનરલ બોર્ડની બેઠકમાં આજે શહેરમાં ચોમાસા દરમિયાન પડેલા વરસાદ બાદ જે રોડ રસ્તાની હાલત જોવા મળી રહી છે. તેને લઈને કોર્પોરેટરો દ્વારા પ્રશ્નોત્તરી યોજાઇ હતી. જ્યારે શહેરમાં મોટી સંખ્યામાં રોડ રસ્તા પર ખાડાઓ જોવા મળી રહ્યા છે. એવામાં આજે જનરલ બોર્ડમાં ભાજપ પક્ષના જ કોર્પોરેટરો પ્રશ્નોત્તરી દરમિયાન મોબાઇલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. આ અગાઉ પણ જનરલ બોર્ડમાં કેટલાક કોર્પોરેટરો મોબાઇલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. જેને લઈને મેયર દ્વારા સૂચનાઓ પણ જાહેર કરવામાં આવી હતી, પરંતુ મેયરની સૂચનાનો અમલ ત્યારબાદ આજે યોજાયેલી જનરલ બોર્ડની બેઠકમાં જોવા મળ્યો નહોતો.
Rajkot News : રાજકોટની પ્રજા રોડ રસ્તા બાબતે ત્રસ્ત અને કોર્પોરેટરો મોબાઇલમાં વ્યસ્ત - રાજકોટ ભાજપના કોર્પોરેટરો
રાજકોટમાં ભાજપના કોર્પોરેટરો પ્રજાના પ્રશ્નોત્તરી સાઈડમાં મુકીને મોબાઈલમાં મશગુલ જોવા મળ્યા છે. એક તરફ રાજકોટમાં લોકો રોડ રસ્તાની હાલત પરેશાન બની રહ્યા છે. ત્યારે બીજી બાજુ જનરલ બોર્ડની બેઠકમાં પ્રશ્નોત્તરી દરમિયાન કોર્પોરેટરો લોકોની સમસ્યા સાઈડમાં મૂકીને પોતાના મોબાઈલ મચેડતા જોવા મળ્યા હતા.
જનરલ બોર્ડએ સ્વાભાવિક રીતે પ્રજાના પ્રશ્નો માટે યોજાતું બોર્ડ હોય છે. જેમાં પ્રજાના જે પણ કાંઈ પ્રશ્નો હોય તેમાં સારી રીતના ચર્ચા થાય અને જે કોઈ મુશ્કેલી હોય તેનું નિરાકરણ થાય, તેમજ એક કોર્પોરેટર તરીકે આપણી પણ જવાબદારી રહેતી હોય છે કે, પ્રજાના પ્રશ્નોમાં અંગત રસ દાખવીને જનરલ બોર્ડમાં ભાગ લેવો જોઈએ. ત્યારે જનરલ બોર્ડમાં જે ત્રણ કોર્પોરેટરો મોબાઇલમાં મશગુલ જોવા મળ્યા હતા. ત્યારે આ ત્રણે કોર્પોરેટરો પાસેથી મોબાઇલમાં વ્યસ્ત હોવાનું કારણ અને ખુલાસો પૂછવામાં આવશે કે કયા કારણોસર તેમને જનરલ બોર્ડમાં મોબાઈલનો ઉપયોગ કર્યો હતો. આ અગાઉ પણ તમામ કોર્પોરેટરોને તાકીદ કરાઇ હતી કે જનરલ બોર્ડ દરમિયાન મોબાઈલનો ઉપયોગ ટાળવો જોઈએ, પરંતુ ફરી આ પ્રકારની ઘટના સામે આવી છે. જેને લઇને આ કોર્પોરેટરો પાસેથી ખુલાસો માંગવામાં આવશે. - પ્રદીપ ડવ (મેયર, રાજકોટ)
ત્રણ કોર્પોરેટરો મોબાઇલમાં વ્યસ્ત જોવા મળ્યા :સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આજે જનરલ બોર્ડ દરમિયાન ભાજપના કોર્પોરેટરો મોબાઇલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. જ્યારે પ્રશ્નોત્તરી શરૂ હતી પરંતુ કોર્પોરેટરોને પ્રજાના પ્રશ્નોમાં કોઈપણ પ્રકારનો રસ ન હોય તેમ તેઓ મોબાઇલમાં સોશિયલ મીડિયામાં મશગુલ જોવા મળ્યા હતા. જેમાં વોર્ડ નંબર 1ના ભાજપ કોર્પોરેટર હિરેન ખીમાણીયા વોર્ડ નંબર 13ના નીતિનભાઈ રામાણી અને વોર્ડ નંબર 5ના હાર્દિક ગોહિલ સહિતના કોર્પોરેટરો મોબાઇલમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. જ્યારે આ મામલે મીડિયા દ્વારા તેમને સવાલો પૂછવામાં આવતા તેમના દ્વારા પોતાને વિસ્તારમાંથી ફોન આવતા હોવાનું જણાવ્યું હતું. જોકે એક તરફ રાજકોટની જનતા શહેરમાં રોડ રસ્તા સહિતની બાબતોના મુદ્દે પરેશાન જોવા મળી રહી છે અને બીજી તરફ જનરલ બોર્ડની ચર્ચામાં શાસક પક્ષના કોર્પોરેટરો જ મોબાઇલમાં મશગુલ જોવા મળતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
TAGGED:
રાજકોટ સમાચાર