રાજકોટ :સમગ્ર ગુજરાતમાં ચર્ચિત બનેલ અને જે ચુકાદાનો સૌ કોઈ ઇંતજાર કરતા હતાં. તે જેતપુરના જેતલસરની સગીરાની હત્યા અને બેનને બચાવવા વચ્ચે પડેલા સગીર ભાઈ ઉપર જીવલેણ હુમલાના બનાવનો કેસ જેતપુર સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. જેતપુર કોર્ટે અભૂતપૂર્વ કહી શકાય તેવું રાતના બાર વાગ્યા સુધી કોર્ટ ચલાવી હતી. ચુકાદો આવે ત્યાં સુધી ફરિયાદ પક્ષના સમર્થકોની કોર્ટ પણ ખીચોખીચ ભરેલ હતી. જેમાં જજે હત્યારાને દોષિત જાહેર કર્યો છે અને 10 માર્ચના રોજ તેમની સજા જાહેર કરશે.
શું હતો સમગ્ર મામલો : જેતપુર તાલુકાના જેતલસર ગામે રહેતો જયેશ ગિરધર સરવૈયા નામના યુવાન ગામની તરુણીના એકતરફી પ્રેમમાં પાગલ હતો. જેથી તેણીને પામવા માટે વારંવાર પ્રયાસો કરતો હતો. મૃતક સગીરા ધોરણ 11માં જેતપુરમાં અભ્યાસ કરતી હતી, ત્યાં તેણીની પાછળ-પાછળ જતો હતો. જેમાં ગત તારીખ 16 માર્ચ 2021ના રોજ તરૂણીના પિતા અને માતા ખેતમજૂરીએ ગયેલા હતાં, ત્યારે બપોરના સમયે મોકો જોઇ ઘરમાં ઘુસી તરૂણીને લગ્ન માટે હત્યારાએ દબાણ કરેલું હતું.
32 છરીના ઘા મારી વીંધી નાખી : આ દબાણ બાદ તરુણીએ જયેશની વાત ન માનતા જ્યેશે તરૂણીને મનાવવા પ્રથમ ઢોર માર માર્યો હતો. તેમ છતાં તેણી એકની બે ન થઈ અને લગ્ન માટે ના જ પાડતી રહી હતી, ત્યારે અંતે હવે પોતે ફાવશે નહિ અને મારી નહિ તો કોઈની નહિ તે આશયે શૈતાન બની ગયેલ હત્યારા જયેશે છરી કાઢી એક-બે નહિ પરંતુ 32 જેટલા છરીના ઘા મારી આખી વીંધી નાંખી હતી. આ દરમિયાન ઘરમાં હાજર સગીરનો સગીર ભાઈ બેનને લોહી લુહાણ હાલતમાં કણસતી જોતા બચાવવા વચ્ચે પડ્યો હતો. આ ઘટનામાં જેના પર શેતાન સવાર થયો હતો. તે જયેશે હર્ષને પણ છરીના ઘા મારવા લાગતા એમને પણ મરણોતલ ઇજાથી તડપતી બેન ભાઈને બચાવવા વચ્ચે પડી હતી. ત્યાં જયેશે વધુ ચાર છરીના ઘા મારી દેતા તેણીને છરીના 36 જેટલા ઘા લાગ્યા હોવાથી ત્યાં જ ઢળી પડી હતી.
હત્યારો આરામથી ચાલ્યો ગયો : ઘટનામાં આ બાજુ લોહીલુહાણ થઈ ગયેલી સગીર પોતાના જીવ બચાવવા શેરીમાં ભાગતા જયેશે તેને વધુ ઘા મારી દેતા આઠેક જેટલા ઘાથી સગીરાનો સગીર ભાઈ પાડોશીના ઘરની બહાર ફસડાઈ પડ્યો હતો. આ ઘટનામાં આખી શેરીમાં લોહીની નદી વહેતી હોય તેવું દ્રશ્ય થઈ ગયું હતું. બંને ભાઈ બહેન લોહીથી લથબથ જમીન પર ફસાયેલા જોઈ જયેશ હાથમાં લોહી નીતરતી છરી સાથે આરામથી ત્યાંથી ચાલ્યો ગયો હતો.
ભર બપોરે ખુની ખેલ : નાના એવા ગામમાં ભર બપોરે ખૂની ખેલ ખેલતા થોડીવારમાં સમગ્ર ગામમાં વાત ફેલાઈ ગઈ હતી. સગીરાના માતા-પિતાને પણ જાણ કરાતા તેઓ તરત જ ઘરે પહોંચતા સગીરાને નિર્જીવ બની ચુકી હતી. જ્યારે સગીર ભાઈ લોહી નીતરતી હાલતમાં કણસતો હતો. આ ઘટના બાદ સગીરાના મૃતદેહને પીએમ માટે અને તેમન ભાઈને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતાં. જ્યાં તેમન ભાઈને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યો હતો.
રાજકીય નેતા પરિવારની મુલાકાતે : આ ઘટનામાં ત્રણ દિવસ બાદ હત્યારા જયેશ ઝડપાઇ જતાં પોલીસે તેની રિમાન્ડ મેળવી રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કર્યો હતો. આ બાજુ તરૂણીની હત્યાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા હતાં અને તત્કાલીન સમયે તે વખતના કોંગ્રેસના નેતા અને વર્તમાન સમયના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ, એનસીપીના રેશ્મા પટેલ, આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયા સહિતના નેતાઓએ સ્વર્ગસ્થ તરુણીના પરિવારની મુલાકાત લઈને સરકાર આ બનાવમાં સ્પેશીયલ સરકારી વકીલની નિમણૂક કરી કેસ ફાસ્ટટ્રેકમાં ચલાવે તેવી માંગ કરી હતી.