ગુજરાત

gujarat

ETV Bharat / state

કમોસમી વરસાદની આગાહીના પગલે રાજકોટ માર્કેટિંગ યાર્ડ થયું સજ્જ, ખેડૂતો જોગ ખાસ સૂચન - રાજકોટ માર્કેટિંગ યાર્ડ જણસી માટે વ્યવસ્થા

હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે રાજકોટ માર્કેટયાર્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વરસાદથી ખેડૂતોની જણસીને બચાવવા માટે જરૂરી સુચન કરતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જુઓ રાજકોટ માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતો જોગ શું સંદેશ છે.

કમોસમી વરસાદની આગાહીના પગલે રાજકોટ માર્કેટિંગ યાર્ડ થયું સજ્જ
કમોસમી વરસાદની આગાહીના પગલે રાજકોટ માર્કેટિંગ યાર્ડ થયું સજ્જ

By ETV Bharat Gujarati Team

Published : Nov 24, 2023, 7:08 PM IST

રાજકોટ :હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ એટલે કે તારીખ 24 થી 28 સુધી રાજ્યના અલગ અલગ જિલ્લામાં કમોસમી વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારે વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. જેને લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા કમોસમી વરસાદને લઈને મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

ખેડૂત જોગ સૂચના : રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા વરસાદની આગાહીને લઈને એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે, આગામી 24 તારીખથી 28 તારીખ સુધી યાર્ડમાં કોઈ પણ ખેડૂતે પોતાનો માલ ખુલ્લામાં ઉતારવો નહીં. સાથે જ યાર્ડમાં અગાઉથી જે પણ ખેત પેદાશો અને જણસી ઉતારવામાં આવેલી છે તે જણસીને પણ ઢાંકીને અને વરસાદમાં ભીંજાય નહીં તે મુજબ રાખવી.

જણસી માટે વ્યવસ્થા : ઉપરાંત આ કમોસમી વરસાદ સમયે જે પણ ખેડૂતો પોતાનો માલ યાર્ડ ખાતે લઈને આવે તેમને આ માલ યાર્ડમાં પ્લેટફોર્મ ઉપર જ રાખવાનો રહેશે. જ્યારે આ સમયે પ્લેટફોર્મ ઉપર જગ્યા ન હોય તો તેમને આ માલ જે તે દલાલોની દુકાનમાં સલામત રીતે રાખવો પડશે.

ખેડૂતોના વાહન માટે સૂચન :રાજકોટ માર્કેટિંગ યાર્ડના પરિપત્રમાં જણાવ્યું હતું કે, કમોસમી વરસાદ દરમિયાન જે પણ ખેડૂત પોતાનો માલ રાજકોટ યાર્ડ ખાતે વેચવા માટે લઈને આવશે તેમના વાહનોને યાર્ડની બહાર ક્રમશ લાઈનમાં ઉભા રાખવા પડશે. તેમજ આ વાહનોમાં માલ પલળે નહીં તે પ્રકારે તેને ઢાંકવાનો રહેશે. જેના કારણે વરસાદને લઈને ખેડૂતોની જણસી વરસાદમાં પલડે નહીં અને તેમને વરસાદને લઈને કોઈ મોટી નુકશાની વેઠવી ન પડે.

કમોસમી વરસાદની આગાહી : ઉલ્લેખનીય છે કે, હાલ શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. એવામાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને હાલમાં જે ખેડૂતોના પાક ખેતરમાં ઉભા છે તેઓમાં ચિંતા જોવા મળી રહી છે. બીજી તરફ રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા કમોસમી વરસાદને લઈને મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

  1. Rajkot News: કણીવાળા લાલ રસદાર તરબૂચના દૈનિક 20થી 25 ટ્રક યાર્ડમાં ઠલવાયા, મબલખ આવક
  2. Rajkot News : રાજકોટમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ પણ રજિસ્ટ્રેશન 50 ટકા ખેડૂતોએ જ કરાવ્યું

ABOUT THE AUTHOR

...view details