રાજકોટઃતાજેતરમાં વેરાવળના નામાંકિત ડોક્ટર અને લોહાણા સમાજના અગ્રણી એવા ડો. અતુલ ચગે આત્મહત્યા કરતા ચકચાર મચી હતી. ત્યારે હવે આ મામલે રાજકીય નેતાઓ પર પણ અનેક આક્ષેપો થઈ રહ્યા છે. જોકે, હજી સુધી પોલીસે આ મામલે FIR પણ નથી નોંધી. આવા આક્ષેપ સાથે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોહાણા સમાજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમ જ આ મામલે આખરી કાર્યવાહી કરવાની માગણી કરી હતી.
આ પણ વાંચોઃVeraval Crime : વેરાવળના નામાંકિત તબીબનો આપઘાત, ઘટનાસ્થળેથી મળી સુસાઈડ નોટ
લોહાણા મહાજને આપ્યું આવેદનપત્રઃરાજકોટ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવા આવેલા રાજકોટ લોહાણા મહાજનના સેક્રેટરી ડો. હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું કે, રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી રઘુવંશી સમાજ મોટી સંખ્યામાં રાજકોટ કલેકટર કચેરી ખાતે ઉમટી પડ્યો છે. જ્યારે ડોક્ટર ચગ આત્મહત્યા કેસમાં બનાવના આટલા દિવસો વિતી ગયા છે. તેમ છતાં પણ હજુ સુધી આ મામલે FIR લેવામાં નથી આવી. આના કારણે હજી પણ સમાજને અન્યાય થઈ રહ્યો છે. આ કેસમાં તમામ પૂરાવા રજૂ કર્યા તેમ છતાં પણ એક ડોક્ટર દરજ્જાના વ્યક્તિને અન્યાય થતો હોવાથી આ બાબત રઘુવંશી સમાજ શાખી નહીં લે. અમારો સમાજ સરકાર સાથે રહ્યો છે અને સરકારને અમારી વિનંતી છે કે, વહેલામાં વહેલી તકે આ મામલે ન્યાયિક તપાસ થાય અને કરી કાર્યવાહી કરવામાં આવે.