રાજકોટમાં આજે વકીલોની હડતાળ, કોર્ટની કામગીરી ખોરવાઈ રાજકોટ : રાજકોટ બાર એસોસિયન દ્વારા આજે એક દિવસની હડતાળ પાડવામાં આવી હતી. જેમાં વકીલો દ્વારા કોર્ટની કામગીરી કરવામાં આવી ન હતી. જ્યારે મોટાભાગના વકીલો દ્વારા આ હડતાળને સમર્થન આપવામાં આવ્યું હતું. જેને લઇને કોર્ટનું કામકાજ ખોરવાયું હતું. રાજકોટ શહેર તેમજ જિલ્લાના 3 હજાર કરતાં વધુ વકીલો દ્વારા આ એક દિવસની હડતાળ પાડવામાં આવી હતી. કોર્ટ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેના વિરોધના ભાગરૂપે આ હડતાળ પાડવામાં આવી છે.
આ પણ વાંચો :Rajkot Crime News : ઘરેલુ હિંસાના કેસ મામલે રાજકોટ કોર્ટમાં વકીલ ઉપર કરાયો હુમલો
નામદાર કોર્ટ દ્વારા બહાર પડાયો હતો પરિપત્ર :આ મામલે રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ એવા બકુલ રાજાણીએ જણાવ્યું હતું કે વર્ષ 2021માં નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે વકીલો કોર્ટની કાર્યવાહી દરમિયાન ઉંચા અવાજે કાંઈ પણ બોલે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે આ પ્રકારનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. તે દરમિયાન પણ અમે તાત્કાલિક આ પરિપત્રોનો વિરોધ કર્યો હતો. તેમજ અમે કોર્ટમાં અને હાઇકોર્ટમાં આ પરિપત્ર પાછો ખેંચવા માટેની પણ અરજી કરી હતી, પરંતુ આ પરિપત્ર પાછો ખેંચ્યો ન હતો જેના કારણે અમે વિરોધ કરી રહ્યા છીએ.
આ પણ વાંચો :Surat Crime: કહી પે નિગાહે, કહી પે નિશાનાઃ ફાયરિંગ વકીલ પર કરવાનું હતુ થઈ ગયું બીજા પર
એક પણ વકીલ કામગીરીમાં ન જોડાયા :જ્યારે રાજકોટ બહાર એસોસિએશનના વકીલોની માંગણી છે કે, આ પ્રકારનો પરિપત્ર તાત્કાલિક પાછો ખેંચવામાં આવે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારનો પરિપત્ર વર્ષ 2021માં થયો હતો. ત્યારથી રાજકોટ સહિતના વિવિધ જિલ્લાઓના વકીલો દ્વારા આ પરિપત્રનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ હજી સુધી નામદાર કોર્ટ દ્વારા આ પ્રકારનો પરિપત્ર પાછો ખેંચવામાં આવ્યો નથી. જેના કારણે આજે પણ રાજકોટ બાર એસોસિએશન વકીલો પોતાના કામથી અલિપ્ત રહ્યા હતા અને સંપૂર્ણ હડતાળ પાડી હતી. જ્યારે વકીલોની હડતાળને લઈને કોર્ટ ખાતે આવતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા હતા.