રાજકોટ : સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં શહેરના થોરાળા વિસ્તારમાં આવેલા ખોડીયાર નગરમાં ભાડે રહેતા મધ્યપ્રદેશના દંપતિ વચ્ચે મોડી રાત્રે માથાકૂટ સર્જાઇ હતી. જેને લઇને પતિએ તેની પત્નીને મોતને ઘાટ ઉતારી છે. જ્યારે આ હત્યાનો આરોપી એવો પતિ હાલ ફરાર છે. ઘટનાને પગલે વિસ્તારમાં પણ ભયનો માહોલ ઉભો થયો છે. ત્યારે આ સમગ્ર મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પૈસા મામલે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ પતિ આવેશમાં આવી ગયો હતો અને પત્ની પર આડેધડ છરીના ઘા માર્યા હતા. જેના કારણે તેનું મૃત્યુ થયું છે. પોલીસે મૃતકની મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Rajkot Crime : રાજકોટમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમમાંથી આવ્યા બાદ પતિએ પત્નીને છરીના ઘા મારી કરી હત્યા - Husband killed wife in Thorala
રાજકોટના થોરાળા વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરીને ફરાર થઈ ગયો છે. દંપતી આગળની રાતે બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં ગયા હતા અને સવારે પત્નીની હત્યા કરી નાખી હતી, ત્યારે પ્રાથમિક માહિતી અનુસાર પૈસા મામલે પતિ-પત્ની વચ્ચે ઝગડો થયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ આ મામલે પોલીસ તપાસ ચાલુ કરી દીધી છે.
રાતે બાગેશ્વર ધામ બાબાના કાર્યક્રમમાં ગયા હતા. મોડી રાત્રે ઘરે આવ્યા હતા, ત્યારબાદ બધા પોતપોતાના ઘરે જઈને જમીને સુઈ ગયા હતા. હું વહેલી સવારે 6:00 વાગે ઉઠી અને મારે આઠ વાગે કામ પર જવાનું હોય એટલે તૈયાર થવા લાગી હતી. જ્યારે મારી બેન અમારા ઘરથી થોડીક નજીક રહે છે એટલે હું ત્યાં પહોંચી અને તેના ઘરનો દરવાજો ખખડાવ્યો અને તેને ઉઠાવવાની કોશિશ કરી, પરંતુ ઘરમાંથી કોઈ અવાજ આવ્યો નહીં. તેથી મેં ત્રણથી ચાર વાર તેને બૂમો પાડી છતાં ઘરમાંથી અવાજ ન આવતાં અંતે મેં ઘરનો દરવાજો ખોલીને જોયું તો મારી બહેનની હત્યા કરાયેલો મૃતદેહ જોવા મળ્યો હતો. જ્યારે તેની હત્યા તેના પતિએ જ કરી છે. તેના પતિને દારૂ પીવાની અને ગાંજો પીવાની ટેવ હતી તેમજ ઘરમાં દરરોજ માથાકૂટ થતી હતી. - અમ્રિતા (મૃતકની બહેન)
મધ્યપ્રદેશમાંથી રોજગારી માટે આવ્યા હતા :જ્યારે પોલીસ દ્વારા હવે આ મામલે મહિલાના પતિ એવા પુષ્પેન્દ્ર અહેરવારની શોધખોળ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પતિ પત્ની વચ્ચે પૈસા મામલે ઝઘડો થયો હતો અને ત્યારબાદ આ પ્રકારની ઘટના સર્જાય છે. ઉલ્લેખનીય છે કે. આ દંપતી મૂળ મધ્યપ્રદેશનું હતું અને છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટમાં રહીને મજૂરી કામ કરતું હતું. ત્યારે ગઈકાલે બાગેશ્વર બાબાના કાર્યક્રમમાં પણ દંપતી સાથે ગયા હતા. તેમજ ત્યાંથી પરત આવ્યા બાદ ઘરે માથાકૂટ સર્જાઇ હતી અને પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી હતી. બીજી તરફ રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે, ત્યારે હવે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.