રાજકોટ : કોરોનાકાળ બાદ રાજ્યમાં નાની વયના લોકોના હાર્ટ એટેકથી સતત મોત થઈ રહ્યા છે. એવામાં રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં ચાર જેટલા યુવાનોના હાર્ટ એટેકથી મોત થયા છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 2 અને રાજકોટ શહેરમાં 2 એમ કુલ 4 યુવાનોના હાર્ટ એટેકથી મોત થયા છે. જેમાં રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડમાં ચાલતા જઈ રહેલા યુવકને હાર્ટ એટેક આવ્યો હતો અને તે નીચે પડી ગયો હતો. ત્યારબાદ તેનું મોત થયું છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.
રાજકોટ ગ્રામ્યમાં 2 કેસ : હાર્ટ એટેકથી થયેલા મોતના કિસ્સાઓની વાત કરવામાં આવે તો રાજકોટના નાનાવડા ગામના સરકારી શિક્ષક એવા દીપક વેકરીયા નામના 43 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. જ્યારે તે પોતાના ઘરે હતા તે દરમિયાન બેભાન થઈ જતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું છે. અન્ય કેસમાં જેતપુરના ખજૂરી ગુંદાળા ગામના 22 વર્ષીય કિશન મનુભાઈ મકવાણા નામના યુવકનું પણ હાર્ટ એટેકથી મોત થયું છે.
એક ઘટના CCTV માં કેદ : અન્ય એક કિસ્સામાં આશિષ અકબરી નામના 40 વર્ષીય યુવાનની હાર્ટ એટેક બાદની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી હતી, તે દરમિયાન તેણે દમ તોડ્યો હતો. જ્યારે તેનું પણ હાર્ટ એટેકથી મોત થયું છે. રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડ ખાતે બિહારથી મજૂરીકામ માટે આવેલ 24 વર્ષના રણજીત યાદવ નામના યુવકનું ચાલતા ચાલતા હાર્ટ એટેક આવી જતા મોત થયું છે. આ યુવાનને હાર્ટ એટેક આવ્યાની સમગ્ર ઘટના યાર્ડમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે.
આરોગ્ય તંત્રમાં દોડધામ : રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 4 જેટલા યુવા વયના લોકોના હાર્ટ એટેકથી મોત થયાની ઘટના સામે આવ્યા બાદ આરોગ્ય તંત્રમાં પણ દોડધામ જોવા મળી રહી છે. અગાઉ બે દિવસ પહેલા પણ આ જ પ્રકારની ઘટના રાજકોટમાં સામે આવી હતી. જેમાં એક યુવક ગરબા રમતા રમતા હાર્ટ એટેકના કારણે મોતને ભેટ્યો હતો. ઉપરાંત એક રેલવે ઓફિસરની પત્નીને પણ ગરબા રમ્યા બાદ હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મોત થયું હતું.
- Navratri 2023: નવરાત્રિમાં હાર્ટ એટેકના દર્દીઓ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડની વ્યવસ્થા કરાઈ
- Navratri Heart Attack Case : નવરાત્રીમાં હાર્ટ એટેકના કેસને પહોંચી વળવા તંત્ર તૈયાર, જિલ્લા કલેકટર દ્વારા બેઠક યોજાઈ