રાજકોટ : રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી આજે રાજકોટની મુલાકાતે હતા. રાજકોટમાં ગૃહપ્રધાનના હસ્તે પોલીસ માટે 120 જેટલા આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન રાજકોટના સાંસદ, ધારાભ્યો, ભાજપ શહેર પ્રમુખ સહિતના ભાજપના હોદ્દેદારો અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે રાજકોટમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પોલીસ ભરતી મામલે મહત્વનું નિવેદન કર્યું હતું. જેમાં તેમને જણાવ્યું હતું કે, આગામી સપ્ટેમ્બર માસમાં પોલીસ ભરતી માટેની ફિઝિકલ ટેસ્ટ યોજાય તે પ્રકારની સરકારી તૈયારીઓ છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે હવે આગામી દિવસોમાં ભરતી નજીક આવી રહી હોવાનો ગૃહપ્રધાન દ્વારા સંકેત આપવામાં આવ્યો હતો.
વહેલી સવારે મોરબીની જે ઇન્ડસ્ટ્રીઝ છે. જેના દ્વારા દેશભરમાં સિરામિકનો વેપાર અને ટાઇલ્સ વેચવામાં આવતી હોય છે. જેમાં મોટા પ્રમાણમાં વેપાર થતો હોય છે. ત્યારે અમુક વેપારીઓનો માલ કેટલાક લોકો લઈ જાય છે અને રકમ આપતા નથી. તેવી ઘણી બધી ફરિયાદો સામે આવી હતી. જેને લઈને મોરબીમાં આજે બેઠક યોજવામાં આવી હતી. તેમજ આની તપાસ માટે તાત્કાલિક એસઆઇટી શરૂ કરવામાં આવી હતી અને એસઆઇટીના માધ્યમથી જે ભોગ બનનાર વેપારીઓ છે. તેમને પોતાની ફસાયેલી રકમ પાછી લાવવામાં સફળતા મળશે. આ સાથે જ મોરબીના અન્ય વિષયો પર પણ આજે બેઠક કરવામાં આવી હતી.- હર્ષ સંઘવી (ગૃહપ્રધાન)
બાબા બાગેશ્વર મામલે બોલવાનું ટાળ્યું :ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં આજે પોલીસ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જ્યારે પોલીસ પરિવાર આ મકાનોમાં રહેશે અને તેમની બધી મનોકામના પૂરી થાય તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી છે. આ સાથે જ પોલીસ ભરતી મામલે હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસ ભરતી દરમિયાન જે ફિઝિકલ ટેસ્ટ લેવાની હોય છે. તેમાં વેધરનું ધ્યાન રાખવું પડતું હોય છે. ત્યારે આગામી સપ્ટેમ્બર પછી આ પોલીસ ભરતીની ફિઝિકલ પરીક્ષા લેવાય તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યારે પોલીસની ભરતીની ફિઝિકલ ટેસ્ટ ગરમી અને વરસાદની ઋતુ દરમ્યાન લેવાય તો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. એવામાં આગામી દિવસોમાં પોલીસ ભરતી સમયસર આવી જશે અને યુવાનોને આ ભરતીની રાહ નહીં જોવી પડે. ઉલ્લેખનીય છે કે રાજકોટ ખાતે આવેલા ગૃહપ્રધાને બાગેશ્વર બાબા વિવાદ મામલે બોલવાનું ટાળ્યું હતું.