રાજકોટઃ શહેરમાંથી અખાદ્ય પદાર્થોનો જથ્થો અવારનવાર ઝડપાઈ રહ્યો છે. અગાઉ દિવાળી દરમિયાન ફરસાણ, મીઠાઈ, પનીર વગેરેનો અખાદ્ય જથ્થો મોટા પ્રમાણમાં ઝડપાયો હતો. હવે રાજકોટ ફૂડ સેફ્ટી ડીપાર્ટમેન્ટ દ્વારા 5 ટન કરતા વધુ અખાદ્ય ચણા જોર ગરમનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આ ઘટનાથી સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
ફૂગવાળા ચણા મળી આવ્યાઃ આજીડેમ વિસ્તારમાં દીનદયાળ ઈન્ડસ્ટ્રીમાં કલ્પેશ ટ્રેડર્સ અને આશાપુરા ફૂડ્સમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ પેઢીના માલિકો કલ્પેશ બડોખરિયા અને જીતેન્દ્ર ગુપ્તા હોવાનું સામે આવ્યું છે. આ પેઢીમાં લાયસન્સ વિના ચણા જોર ગરમનું ઉત્પાદન થઈ રહ્યું હતું. આ સ્થળે ફૂડ સેફ્ટી ડીપાર્ટમેન્ટે દરોડો પાડતા કુલ 2000 કિલો જેટલા ફૂગ વાળા ચણા રો મટિરિયલ તરીકે મળી આવ્યા. આ ઉપરાંત સાથે જ વિવિધ ફ્રાઈમ્સ અને દાબેલા ચણા સહિત 2500 કિલો જેટલો અખાદ્ય જથ્થો ઝડપાયો હતો. આમ કુલ મળીને અખાદ્ય પદાર્થોનો 5 ટન કરતાં વધુ જથ્થો મળ્યો છે. આ તમામ વસ્તુઓ અનહાઈજેનિક કન્ડિશનમાં બનાવવામાં આવતી હતી. આ ચીજો બનાવવા માટે બળેલા તેલનો ઉપયોગ કરવામાં આવતો હતો.