રાજકોટ : રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રખડતા શ્વાનનો ત્રાસ દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. સુરતના ખજોડમાં બે વર્ષીની બાળકી પર શ્વાને હુમલો કરતા મૃત્યુ પામી હતી. તેમજ થોડા સમય પહેલા વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં 10થી 15 જેટલા લોકો પર રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. ત્યારે રંગીલું કહેવાતું રાજકોટનાશાપર વેરાવળમાં પણ રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. શ્વાને અઢી વર્ષના બાળકને બચકા ભર્યા છે. જેમાં તે ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :Surat Dog Bite Case: માસૂમ બાળકી પર 30થી વધુ ડોગ બાઈટના ઘા, સારવાર બાદ મૃત્યુ
ઘર નજીક બાળક રમતું હતું અને હુમલો :સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો અઢી વર્ષનું બાળક અરશદ અન્સારી શાપર વેરાવળમાં પોતાના ઘર નજીક રમી રહ્યું હતું. તે દરમિયાન અચાનક એક શ્વાન દ્વારા બાળકને પાછળના ભાગેથી હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકે બુમાબુમ કરતા સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને આ અઢી વર્ષના બાળકને શ્વાનના મુખમાંથી છોડાવ્યું હતું. જેને લઈને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર હાલ બાળકની સારવાર શરૂ છે.