રાજકોટના વાવડી વિસ્તારના દસ્તાવેજ હજુ પણ ગુમ, તપાસ તેજ કરાઈ રાજકોટ : રાજકોટમાં નવા ભળેલા વિસ્તાર એવા વાવડીના રેવન્યુ દસ્તાવેજ કોર્પોરેશનની વોર્ડ ઓફિસમાંથી ગુમ થઈ ગયા છે. જ્યારે આ મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં પણ ફરિયાદ નોંધવામાં આવી છે. પરંતુ હજુ સુધી આ દસ્તાવેજ હાથ લાગ્યા નથી. એવામાં વાવડી વિસ્તારમાં ભંગારના ડેલામાંથી અને નદીના વોકળા પરથી મળી આવેલી વિવિધ ફાઈલો વાવડી વિસ્તારની નહીં હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ રાજકોટ પ્રાંત અધિકારી સંદીપ વર્મા સહિત તાલુકા પોલીસ પણ દસ્તાવેજોની શોધખોળમાં લાગી છે.
આ પણ વાંચો :Rajkot Crime : રાજકોટમાં વાવડી ગામમાં કરોડોનું જમીન કૌભાંડ ઢાંકવા કરાઈ દસ્તાવજોની ચોરી?
તમામ લોકોના નિવેદન લેવાની પ્રક્રિયા પૂર્ણ :આ અંગે રાજકોટ વાવડી વિસ્તારના પ્રાંત અધિકારી સંદીપ વર્માએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ઘટનામાં નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાલ પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે મેં પોતે જે જગ્યાએથી દસ્તાવેજો મળી આવ્યા હતા. તે તમામ વિસ્તારોની પણ મુલાકાત લીધી છે. જે જગ્યાએ દસ્તાવેજ રાખવામાં આવ્યા હતા. તે સ્થળ, ભંગારનો ડેલો અને નદીના વોકડામાં પણ તપાસ કરી છે. જ્યારે વિસ્તારમાં રહેતા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી છે અને આ તમામ બાબતોને લઈને અમે એક રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે. જે ટૂંક સમયમાં રાજકોટ કલેક્ટરને આપવામાં આવશે.
આ પણ વાંચો :Gandhinagar Crime : સ્વર્ગસ્થ પિતાનું સપનું પૂરું કરવા ખોટા દસ્તાવેજ ઉભા કરીને PSI બનવા અમદાવાદની યુવતી કરાઇ એકેડમીમાં પહોંચી
મૂળ દસ્તાવેજો હજુ સુધી નથી મળ્યા :પ્રાંત અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, જે ભંગારના ડેલામાંથી અમને જે ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. તે કોર્પોરેશનની ટેક્સ શાખાના કાગળિયા હતા. આ સાથે જ વોકડામાંથી પણ જે ડોક્યુમેન્ટ મળ્યા છે તે પણ અમારા નથી અને તેના પરથી અમને ખ્યાલ નથી આવી રહ્યો કે ખરેખર વાવડી વિસ્તારના મૂળ દસ્તાવેજો ક્યાં ગયા છે. હાલ અમે તમામ એંગલના આધારે હાલ તપાસ કરી રહ્યા છે, જ્યારે પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકામાં વાવડી વિસ્તાર 2014 -15માં ભળ્યુ હતું અને ત્યારબાદ આ વિસ્તારમાં કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ પણ સામે આવ્યું હતું. ત્યારે હવે વિસ્તારના મૂળ દસ્તાવેજો ગુમ થવાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે.