રાજકોટ : ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં મોટી મારડ ગામના કિરીટ સાપરિયા વાઈસ ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા છે. પસંદગી પામેલા રાજનેતા જુગારનો અખાડો ચલાવતા હતા. જે અંગેની બાતમી મળતા રાજકોટ રૂરલ એલસીબી પોલીસે વરલી ફીચરનો જુગાર રમાડી રહેલાને ઝડપી લીધા છે. આ ઝડપાયેલા શખ્સ પાસેથી મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો : આ અંગે પાટણ વાવ પોલીસમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ અનુસાર રાજકોટ રૂરલ એલસીબીના પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજાએ દાખલ કરાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ધોરાજી તાલુકાના પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબીને લગતી કામગીરી સબબ પોલીસ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પાટણવાવ બસ સ્ટેન્ડ પાસે આવતા તેમને ખાનગી રાહે બાતની મળી હતી કે, મોટી મારડ ગામના ગરબીચોકમાં પાસે એક શખ્સ જાહેરમાં આવતા જતા માણસો પાસેથી વરલી ફીચરના જુગારના આંકડા લખી પૈસાની લેતી દેતી કરીને જુગાર રમાડતો હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગેની બાતમીના આધારે દરોડા કરતા કિરીટ ઉર્ફે બાલક નરસિભાઈ સાપરિયા નામના 60 વર્ષીય શખ્સને ઝડપી લીધો હતો. આ ઝડપાયેલા શખ્સ પાસેથી રોકડ રકમ તેમજ ત્રણ મોબાઇલ મળી કુલ રૂપિયા 18930નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.
આ પણ વાંચો :Rajkot Crime : પુત્રના નવાબી શોખમાં દેવુ થઈ જતા પિતા બન્યા ભોગ