રાજકોટઃ ધોરાજી તાલુકાના જમનાવડ ગામે એક મહિલા સાથે છેડતી અને તેના પરિવારના સભ્યો સાથે 2 દિવસ અગાઉ મારપીટની ઘટના ઘટી હતી. જેમાં ધોરાજી પોલીસે ફરિયાદ નોંધવામાં વિલંબ કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા ફરિયાદી પર સમાધાનનું દબાણ કરાયાનો આક્ષેપ પણ લાગ્યો છે. પીડિત મહિલાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા 2 દિવસ બાદ ધોરાજી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી છે.
સમગ્ર ઘટનાક્રમઃ તારીખ 8 જાન્યુઆરીના રોજ મહિલા તેની બાળકી સહિત પરિવાર સાથે ગાડીમાં ઘરે પરત ફરતા હતા. રસ્તામાં એક યુવક પોતાના વ્હીકલની લાઈટ ડીમ ફૂલ ડીમ ફુલ કરીને આ પરિવારને પજવતો હતો. રાત્રે 10 કલાકની આસપાસ જમનાવડ ગામના બસ સ્ટેન્ડ પાસે આ યુવકે આ પરિવારને આંતરી લીધો. આ યુવકે ગાડીમાં હાજર મહિલાની છેડતી કરી અને ઝઘડવા લાગ્યો. ત્યારબાદ ગામના કેટલાક સ્થાનિક ઈસમો પણ આ પરિવારને હેરાન કરવામાં સામેલ થઈ ગયા. તેમણે ગાળાગાળી અને મારામારી કરી હતી. આ ઈસમોએ "અહીં અમારુ રાજ ચાલશે તમારાથી થાય તે કરી લો", તેવી ધાકધમકી આપીને દાદાગીરી પણ કરી હતી. આ ઘટનાની ડરેલી બાળકી બીમાર પણ પડી ગઈ છે.
ફરિયાદ નોંધવામાં વિલંબઃ આ સમગ્ર મામલે પીડિત મહિલાએ તાત્કાલિક 100 નંબર પર કોલ કર્યો. જો કે પોલીસ દોઢ કલાક બાદ ઘટના સ્થળે આવી હતી. પોલીસે સવારે પોલીસ સ્ટેશન આવી ફરિયાદ લખાવા જણાવ્યું હતું. બીજા દિવસે સવારે પડિત મહિલા ફરિયાદ લખાવવા ગઈ તો ધોરાજી તાલુકા પોલીસે ફરિયાદ લખવાની મનાઈ કરી અને આરોપીઓ સાથે સમાધાનનું દબાણ પણ કર્યુ. 2 દિવસ સુધી ફરિયાદ ન નોંધાતા પીડિતાએ કંટાળીને ડીવાયએસપી લેવલ સુધી રજૂઆતો કરી. ઉચ્ચ સ્તરીય દબાણ આવતા અંતે ધોરાજી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધી હતી. પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ IPC કલમ 323, 504, 506, 143, 147, 149, 354 (ક)(1) તેમજ એટ્રોસિટી એક્ટની કલમ 3(1)આર, એસ, ડબલ્યુ, 3(2)5-એ, તથા GP ACT 135 મુજબની ફરિયાદ નોંધી છે.