રાજકોટ : રાજકોટમાં 1 અને 2 જૂને બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આવનાર છે. તેઓ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે બે દિવસ સુધી પોતાનો દિવ્ય દરબાર યોજનાર છે. એવામાં ગઈકાલે રાજકોટના કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્કના સીઈઓ પુરુષોત્તમ પીપળીયા દ્વારા બાગેશ્વર બાબાને પડકાર ફેંકવામાં આવ્યો હતો. જેમાં તેમને જણાવ્યું હતું કે, જો બાબા રાજકોટમાં તાજેતરમાંથી રૂપિયા 200 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું છે. તે ડ્રગ્સ કોનું છે તેમજ તે ડ્રગ્સ કોને મોકલ્યું છે અને આ ડ્રગ્સના પેડલરો કોણ કોણ છે. તે અંગેનો જવાબ આપશે તો હું તેમને પાંચ લાખ રૂપિયા ઇનામ આપીશ અને તેમનું મંદિર પણ બનાવીશ. ત્યારે આજે પુરુષોત્તમ પીપળીયાને સોશિયલ મીડિયા તેમજ અજાણ્યા નંબર પરથી મોબાઈલ ફોન મારફતે ધમકી આપવામાં આવી હતી.
મારા સોશિયલ એકાઉન્ટ પર ઘણી બધી કોમેન્ટો આવી રહી છે. તેમાં અભદ્ર ભાષામાં લખાણ પણ જોવા મળી રહ્યા છે. તેમજ આજ સવારથી જ મને ફોન પર ધમકીઓ મળવા લાગી છે. આ લોકો મારું સરનામું ફોન પર મને પૂછી રહ્યા છે. જ્યારે આ સમગ્ર મામલે મને સીધી અને આડકતરી રીતે ધમકીઓ આપવામાં આવી રહી છે. ત્યારે આનો અર્થ એવો નથી કે હું આ લોકોની ધમકીઓથી નાસીપાસ થઈને મારી જે મૂળભૂત બાબતો છે તે બાબતોને હું પરત ખેંચું અથવા તે બાબતોનો હું આ સ્વીકાર કરું. જ્યારે મારી દ્રષ્ટિએ જે ધર્મ અને ધતિંગ વચ્ચેની જે બાબતો છે તેને ખુલ્લી પાડવાનું છે. - પુરુષોત્તમ પીપળીયા (કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકના CEO)
મારે પોલીસ પ્રોટેકશનની જરૂરિયાત નથી :પુરુષોત્તમ પીપળીયાએ વધુમાં જણાવ્યું હતું કે, બાબા બાગેશ્વરના જે ધર્મના કાર્યો છે તેમને હું આવકારું છું, પરંતુ તેમના જે ધતિંગના કાર્યો છે. જેમાં તેઓ ચિઠ્ઠી નાખવી ચિઠ્ઠી ઉપાડવી અને ત્યારબાદ ભવિષ્ય વાણી કરવી તે તમામ બાબતોનો જ હું માત્ર વિરોધ કરું છું. જે વિરોધ હું યથાવત રાખું છું. જ્યારે પુરુષોત્તમ પીપળીયાએ આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. ગાળ દેવાથી કે ધમકી દેવાથી પોલીસ પણ શું કરશે એટલે આ માત્ર સમય વ્યય કરવાની વાતો છે. મારે પોલીસ પ્રોટેક્શનની કોઈ જરૂરિયાત નથી. હાલમાં મારા 63 વર્ષ થયા છે અને હવે હું જે જિંદગી જીવી રહ્યો છું. તે બોનસની જિંદગી જીવી રહ્યો છું. જ્યારે ધમકી આપનાર ભલે રાજી થાય અને તેને આવીને મારી પર જે એક્શન લેવા હોય તે ભલે લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પુરષોતમ પીપળીયા દ્વારા સોશિયલ મીડિયા બાબા બાગેશ્વર મામલે પોસ્ટ કરવામાં આવી હતી અને આજે તેમને ફોન કરીને અજાણ્યા શખ્સો દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે જે મામલો હાલ ચર્ચાસ્પદ બન્યો છે.