રાજકોટ : રાજકોટમાં ફરી એક વખત અંધશ્રદ્ધામાં એક 54 દિવસના બાળકનું મોત થયું છે. જ્યારે બાળક બીમાર હતું ત્યારે તેની માતાએ જ તેને ભુવાના કહેવાથી પેટે ડામ આપ્યા હતા. બાળકની તબિયત વધુ બગડતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે રાખવામાં આવ્યું હતું. જ્યાં અઠવાડિયાની સારવાર બાદ આજે તેનું મોત નિપજ્યું છે. જો કે રાજકોટમાં ફરી અંધશ્રદ્ધાની ઘટના સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી છે.
ભૂવાએ ડામ દેવાનું કહ્યું અને માતાએ ડામ આપ્યા : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટના જેતપુર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારમાં બાળકનો જન્મ થયો હતો. જ્યારે બાળકને શ્વાસ લેવામાં તકલીફ હતી અને પ્રસૂતિ બાદ તેની માતાને ધાવણ આવ્યું નહોતું. જેના કારણે માતાએ ભૂવાને ફોન કર્યો હતો. ત્યારબાદ ભૂવાએ ડામ આપવાનું કહેતા માતાએ બાળકને ડામ આપ્યા હતાં.
સારવાર દરમિયાન બાળકનું મોત : જો કે ડામ આપ્યા બાદ બાળકની તબિયત વધુ બગડતા તેણે તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું. જ્યાં આજે સારવાર દરમિયાન બાળકનું મોત થયું છે. જો કે અંધશ્રદ્ધામાં બાળકનું મોત થવાની ઘટના સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી છે. જ્યારે આ પરિવાર મૂળ મધ્યપ્રદેશનું વતની છે અને જેતપુર ખાતે રોજગારી માટે આવ્યું હતું.
બાળકને શ્વાસની તકલીફ હતી : જો કે આ મામલે બાળકના પિતા પિન્ટુ મુમલદેએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે હતું કે અમે ઘરે પૂજા કરો રહ્યાં હતાં અને તે દરમિયાન બાળક પર અગરબત્તી પડી ગઇ હતી. તેને શ્વાસની બીમારી હતી જેના કારણે તેનું મોત થયું છે. જો કે હવે આ ઘટનામાં સવાલો ઊભા થાય છે કે પૂજા કરતા કરતા બાળક પર અગરબતી પડી જાય અથવા અડી જાય તો તેનું મોત થાય?