રાજકોટઃ અત્યારે બેરોજગારી ચરમસીમા પર છે. આવામાં બેરોજગારી યુવાનોને સરકારી નોકરીની લાલચ આપીને પૈસા પડાતવા અનેક ઠગ પોતાની કળા કરતા હોય છે. નાદાન અને ભલા ભોળા નોકરીવાંચ્છુ યુવાનોને સરકારી નોકરીની લાલચ આપીને કરોડો રુપિયા પડાવનાર એક ઠગને ધોરાજીના પાટણવાવ પોલીસે ઝડપી લીધો છે. પોલીસને શંકા છે કે આ ઠગે અનેક યુવાનોને ઠગીને કરોડોનું કૌભાંડ આચર્યુ છે.
મોડસ ઓપરેન્ડીઃ કલાણા ગામના નવનીત કાંતીભાઈ રામાણી અને ધોરાજીના નિકુંજ નામના આરોપીઓએ બિન સચિવાલય કલાર્કની ભરતીમાં નોકરી અપાવી દેવાની લોભામણી લાલચ આપી શિક્ષિત બેરોજગારોને બોગસ કોલ લેટર આપી કરોડો રુપિયા ખંખેરી લીધા છે. તેમની પાસેથી દસ લાખ રૂપિયા પડાવી લીધા છે જે સમગ્ર બાબતે જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. બિન સચિવાલય ક્લાર્કની ભરતી માટેની જાહેરાત વર્ષ 2018માં કરવામાં આવી હતી. વર્ષ 2019 આ પરીક્ષા રદ થયા બાદ વર્ષ 2022 માં ફરીથી પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં પાસ કરાવી દેવાની અને નોકરીનો નિમણુક પત્ર(અપોઈન્ટમેન્ટ લેટર) અપાવી દેવાની લાલચ આપી હતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, આરોગ્ય નિયામક અને પરિવાર કલ્યાણ વિભાગના વડાઓની બોગસ સહી સાથેના તૈયાર કરેલા નોકરીના નિમણુંક પત્ર પણ તૈયાર કરીને વિતરણ કર્યા હતા. આ આરોપીએ પોતાની જાળમાં ધોરાજી, કૃતિયાણા અને પોરબંદર પંથકના 200થી વધુ યુવાનોને ફસાવ્યા હતા. પ્રતિ ઉમેદવાર 10 લાખ પડાવ્યા હોવાથી આ કૌભાંડ કરોડોનું થવા જાય છે.