રાજકોટ :ઉલ્લેખનીય છે કે આ મામલે હજુ સુધી એક જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે એટીએસ દ્વારા હાલ આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમજ આ ડ્રગ્સ પાકિસ્તાનથી આવ્યું હોવાનું પણ સામે આવ્યું હતું. જેને લઇને અનેક સવાલો ઊભા થયા હતા. પાકિસ્તાનમાંથી મોકલવામાં આવેલું ડ્રગ્સ રાજકોટ સુધી કેવી રીતે પહોંચ્યું તે મુખ્ય સવાલ છે.
200 કરોડથી વધુનો ડ્રગ્સ ઝડપાયો હતો : રાજકોટમાં 200 કરોડના ડ્રગ્સનાં મામલાની વાત કરવામાં આવે તો, એટીએસ દ્વારા ખંડેરી નજીક ચેકડેમના વિસ્તારમાં 30 કિલો હેરોઈનનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ હેરોઈનના જથ્થાના બેગમાંથી હિરોઈનનો જથ્થો દિલ્હી ખાતે કોને ડિલિવરી કરવાનો છે તેના નામની ચિઠ્ઠી લખેલી હતી. જેને લઇને એટીએસ દ્વારા નારકોટિક્સ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી હતી અને દિલ્હીમાં આ ડ્રગ્સનો જથ્થો કોને આપવાનો છે અને કયા સ્થળે આપવાનો છે તે તમામ વિગતો આપવામાં આવી હતી.
12 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા હતા : એટીએસની ટીમ દ્વારા હેરોઈનના જથ્થાનો ડુબલીકેટ જથ્થો બનાવીને જે શખ્સને આ હેરોઈનના જથ્થાની ડીલેવરી આપવાની હતી ત્યાં પહોંચી ગઈ હતી અને નાઈઝીરીયનની ધરપકડ કરી હતી. ત્યારબાદ આ આરોપીને રાજકોટ કોર્ટમાં રજૂ કરવામાં આવતા જેના 12 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા હતા. જે રિમાન્ડ પૂર્ણ થતા ફરી આરોપીને કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. હજુ સુધી આ કેસમાં એક જ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ATS વધું તપાસ કરી રહી છે : ડ્રગ્સ મામલે ATS દ્વારા દિલ્હીથી ઇકવુનાઇફ ઓકાફોરની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તેને રાજકોટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે 12 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા ફરી આજે રાજકોટની કોર્ટમાં એટીએસ દ્વારા તેને રજૂ કરવામાં આવ્યો હતો. એટીએસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ હજુ સુધી આ મામલે કોઈ ચોક્કસ કડી હાથમાં લાગી નથી. આ ડ્રગ્સના જથ્થાના તાર પાકિસ્તાન સુધી પણ જોડાયેલા છે. જેને લઇને એટીએસની ટીમ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ રાજ્યના કયા દરિયા કિનારે આ ડ્રગ્સનો જથ્થો ઉતારવામાં આવ્યો હતો, ત્યારબાદ દરિયાકિનારાથી રાજકોટ સુધી કયા શખ્સ દ્વારા જથ્થો પહોંચાડવામાં આવ્યો હતો અને રાજકોટમાં ક્યો શખ્સ આ ડ્રગ્સનો જથ્થો રિસીવ કરવાનો હતો તે મામલો હજુ પણ ગૂંચવાયેલું જોવા મળી રહ્યો છે.