રાજકોટ: સૌરાષ્ટ્રનું મહાનગર રાજકોટ ક્રાઈમ દુનિયામાં પણ પહેલા ક્રમે હોય એવા કેસ સામે આવી રહ્યા છે. અત્યાર સુધી સોના ચાંદી અને હીરાના લૂંટની ઘટના વિશે સાંભળ્યું હશે, પરંતુ રાજકોટમાંથી વાળની લૂંટ કરવામાં આવી હતી. જેની કિંમત રૂપિયા બે લાખ હોવાનું સામે આવ્યું છે. વાળની માત્રા 40 કિલો હોવાનું પોલીસ રિપોર્ટમાંથી જાણવા મળે છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તાર ગણાતા પીપળીયા પાસેથી બે બોરી વાળની લૂંટ થઈ હોવાનું પોલીસ ફરિયાદમાં સામે આવ્યું હતું. આટલી મોટી માત્રામાં વાળ કયા ઉપયોગમાં લેવામાં આવતા એ પોલીસ પૂછપરછમાંથી હવે સામે આવશે.
40 કિલો વાળની લૂંટ:રાજકોટના રૈયા રોડ વિસ્તારમાંથી 40 કિલો જેટલા વાળની બે બોરી લઈને મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી એવો પુષ્પેન્દ્ર સિંગ બાબુસિંગ વણઝારા રાજકોટમાંથી વાળની ખરીદી કરી મોટર સાયકલમાં મોરબી તરફ જઈ રહ્યો હતો. એવામાં ત્રણ જેટલા શખ્સો રિક્ષામાં અને બે શખ્સો બાઈકમાં આવીને પુષ્પેન્દ્ર સિંગ પાસે રહેલા 40 કિલો વાળની બે અલગ અલગ બોરીની લૂંટ ચલાવી હતી. બાદમાં ઘટના સ્થળેથી ભાગી છુટ્યા હતા. જ્યારે આ મામલે પોલીસને જાણ થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસે રાજકોટની ભાગોળે પરા પીપળીયા ગામ પાસેથી આ વાળની લૂંટ ચલાવનાર આરોપીઓને પકડી પાડ્યા હતા. તેમજ તેમની પાસેથી વાળની બે બોરી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
શુ કહ્યું ગાંધીગ્રામ મથકના પીઆઇએ: રાજકોટ ગાંધીગ્રામ મથકના પીઆઇ એમ જી વસાવાએ જણાવ્યું હતું કે" આ મામલે રાજકોટ ગાંધીગ્રામ પોલીસે 50 આરોપીની ધરપકડ કરી છે. જેમાં રોહિત ઉર્ફ પિયુષ પરેશભાઈ ડાભી, લાલજી નગીનભાઈ ચૌહાણ, રવિ ઉર્ફ બાળક હેમંતભાઈ ચાવડા, રાહુલ ઉર્ફે ટાલો રાજુભાઈ ચૌહાણ અને પરસોતમભાઈ હાદાભાઈ પરમાર નામના કુલ પાંચ આરોપીઓનો સમાવેશ થાય છે. પીઆઇ એમ જી વસાવાએ વધુમાં જણાવ્યા અનુસાર લૂંટની ઘટનાની જાણ થયા બાદ પોલીસની અલગ અલગ ટીમ કામે લાગી હતી.