રાજકોટ : જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં હત્યાનો મામલો સામે આવ્યો છે. અહીં એક સાડીના કારખાનામાં પરપ્રાંતીય મજૂરોને વગર વાંકે અન્ય પરપ્રાંતીય મજૂરને ગાળો બોલતો હતો. જેમાં તેને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખ્સે છરીના ઘા મારી યુવકની ઘાતકી હત્યા કરી છે. આ હત્યાની ઘટનામાં પોલીસે હત્યાને અંજામ આપનાર શખ્સને તાત્કાલિક ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
નજીવી બાબતે બબાલ :હત્યાનો આ બનાવમાં જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પ્રિન્ટ નામના સાડીના કારખાનામાં રાત્રીના આશરે સાડા અગિયાર આસપાસ બન્યો હતા. મળતી માહિતી અનુસાર જીતેન્દ્ર વર્મા, સૂરજ અને લાલારામ એમ ત્રણેય પરપ્રાંતીય શખ્સો કારખાનામાં સાથે બેઠા હતા. ત્યારે અન્ય સાથી મજૂર ઉત્તમ શર્મા ત્યાં આવ્યો અને સૂરજને કોઈ કારણ વગર ગાળો બોલવા લાગ્યો હતો.
આરોપીએ કર્યો જીવલેણ હુમલો : આ બબાલ વખતે 18 વર્ષીય શ્રવણ વર્મા નામનો યુપીનો પરપ્રાંતીય મજૂર વચ્ચે પડી ઉત્તમને ટોક્યો હતો કે, સૂરજને કોઈ પણ વાંક વગર ગાળો શું કામ આપે છે. આવું કહેતા ઉત્તમ ઉશ્કેરાઇને શ્રવણ સાથે ઝઘડો કરવા લાગ્યો અને તેને પણ ગાળો આપવા લાગ્યો હતો. શ્રવણે ગાળો બોલવાની ના પાડતાં જ ઉત્તમ આગ બબુલો થઈ ત્યાં જ પડેલ છરી હાથમાં લઈ શ્રવણ પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં એક ઘા પડખામાં અને બીજો ઘા બેઠકના ભાગે માર્યો હતો. ત્યારે એટલામાં ત્યાં રણજીત વર્મા નામનો શખ્સ આવી ગયો અને તેણે હુમલાખોર ઉત્તમથી શ્રવણને બચાવવા વચ્ચે પડતા તેને પણ હાથના ભાગે એક ઘા મારીને હુમલો કરનાર ઉત્તમ ત્યાંથી નાસી ગયો હતો.