રાજકોટ : રાજકોટમાં જાણે નશીલા પદાર્થ વેચવાનો ધંધો કાયદેસર થઈ ગયો હોય તે પ્રકારે અલગ અલગ નશીલા પદાર્થો ઝડપવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા 3 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. જ્યારે ત્રણ કિલો ગાંજા સાથે એક 65 વર્ષના વૃદ્ધની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે સવાલો એવા ઊભા થાય છે કે આટલી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો રાજકોટ શહેરમાં કેવી રીતે આવ્યો અને તેને કોને સપ્લાય કરવામાં આવનાર હતો. જેને લઇને હવે પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
Rajkot Crime : રાજકોટમાં ગાંજા સાથે વૃદ્ધની ધરપકડ, એસઓજીએ કેટલો જથ્થો જપ્ત કર્યો જાણો - રાજકોટ પોલીસ
રાજકોટ એસઓજી ટીમે ગાંજાના મોટા જથ્થા સાથે એક વૃદ્ધની ધરપકડ કરી હતી. રાજકોટમાં સતત વધી રહેલા નશીલા પદાર્થોના વેપારને પગલે રાજકોટ એસઓજી દ્વારા ચાંપતી નજરે કામગીરી કરવાને લઇને સરેરાશ ધોરણે આ પ્રકારના કેસ સામે આવી રહ્યાં છે. આ કેસમાં એસઓજીએ વૃદ્ધ ત્રણ કિલોથી વધુ ગાંજો જપ્ત કરી ધરપકડ કરી છે.
SOGને મળી હતી બાતમી :રાજકોટ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ આજે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે શહેરના કાલાવડ રોડ ઉપર આવેલા ડેકોરાં પ્લાઝા બિલ્ડીંગની સામેના આવાસ યોજનાના ક્વોટર નજીક એક ઈસમ ગાંજાના જથ્થા સાથે ઉભો છે. જેના આધારે એસઓજીની ટીમે અહીંયા દરોડો પાડ્યો હતો અને ગાંજાના જથ્થા સાથે 65 વર્ષના વૃદ્ધ એવા મુકેશ રાઠોડ નામના શખ્સને પકડી પાડ્યો હતો. જ્યારે પોલીસે તેની પાસેથી 3.147 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે. જેની બજાર કિંમત 31 હજાર હજાર કરતાં વધુ થવા પામી છે.
યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાયો ગુનો : સમગ્ર મામલે હવે યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ આ 65 વર્ષનો વૃદ્ધ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો. તેમજ આ ગાંજાનો જથ્થો તે રાજકોટમાં કોને સપ્લાય કરવાનો હતો અને કેટલા વર્ષોથી આ પ્રકારના ગેરકાયદે કામ સાથે સંકળાયેલા છે તે તમામ બાબતોને લઈને પોલીસ દ્વારા હાલ આ વૃદ્ધની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રાજકોટમાંથી મોટા પ્રમાણમાં ગાંજો અને એમડી ડ્રગ્સના મોટી માત્રામાં મળી આવ્યા છે. ત્યારે ફરી એકવાર ત્રણ કિલો કરતાં વધુ ગાંજાનો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામી છે.