રાજકોટઃરાજકોટમાં લોકોને છેતરવા માટે એક નવો જ કિમિયો અપનાવાયો છે. જેમાં લગ્ન કરનાર યુવક- યુવતીઓને રૂપિયા 25000 ડિપોઝિટ ભરાવીને લગ્ન બાદ તેમને એક લાખ રૂપિયા આપવામાં આવશે. તેવું જણાવવામાં આવ્યું હતું. જો કે લગ્ન થયા બાદ કોઈપણ જાતના પૈસા આ લોકોને આપવામાં આવ્યા ન હતા. અંતે આ લોકો છેતરાયા હોવાનું ભાન થતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. જોકે આ પ્રકારની ઘટના રાજકોટમાં સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં વેપારી પાસેથી મળી 500ની 31 નકલી નોટ, બેન્ક મેનેજરે નોંધાવી પોલીસ ફરિયાદ
સંસ્થાના નામે કાવતરૂઃરાજકોટના લવ ગાર્ડન પાસે મોટી સંખ્યામાં રીયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન નામની સંસ્થાના ભોગ બનેલા સભ્યો એકઠા થયા હતા. એકઠા થયેલા લોકોનું કહેવું હતું કે, રીયલ ફ્રેન્ડ ફાઉન્ડેશન નામની સંસ્થાએ તેમની સાથે છેતરપિંડી કરી છે. આ સંસ્થા જેમના લગ્ન થવાના હોય તેમની પાસેથી રૂપિયા 25000 લગ્ન ચાંદલા સ્વરૂપે લેવામાં આવતા હતા. લગ્ન થઈ ગયા બાદ રૂપિયા એક લાખનો ચેક આપવાની વાત પણ કરવામાં આવતી હતી. એક લાખનો ચેક આપ્યા બાદ તેમાંથી ₹12,500 પાછા આપવાનું પણ કહેવામાં આવતું હતું. જ્યારે વ્યક્તિ ચેક લેવા આવે ત્યારે તેણે અન્ય એક સભ્ય સંસ્થાને ફરજિયાત આપવો પડશે તે પ્રકારનું પણ દબાણ કરવામાં આવતું હતું.
કોર્ટમાં મામલોઃરિયલ ફ્રેન્ડ ફાઉન્ડેશનના સંસ્થાપકો વિરુદ્ધ ધ્રોલ કોર્ટમાં ચેક બાઉન્સ અંગે કેસ પણ ચાલી રહ્યો હોવાનું છેતરાયેલા લોકો જણાવી રહ્યા છે. છેતરાયેલા લોકોનું કહેવું છે કે, તેઓ જ્યારે સંસ્થાની ઓફિસ પર જતા હતા ત્યારે તેમને કેટલાક ફોટોગ્રાફ્સ બતાવવામાં આવતા હતા. જે ફોટોગ્રાફ્સથી હેપી કસ્ટમર કેટલા છે તેવું આભાસી ચિત્ર પણ ઉભું કરવામાં આવતું હતું. જ્યારે બીજી તરફ લોકોને પણ એક લાલચ જાગી હતી. તેમને ₹25,000નું રોકાણ કરતા એક લાખ રૂપિયા મળી જશે. જેથી લોકો ચાર ગણા રૂપિયા મેળવવાની લાલચમાં 25000 રૂપિયામાં સભ્ય પદ મેળવી લેતા હતા.