રાજકોટ : રાજ્યમાં યુવાધન નશાના રવાડે ચડ્યું હોય તેવી એક બાદ એક ઘટના સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં જોવા મળી રહી છે. ત્યારે રાજકોટ ક્રાઇમબ્રાન્ચે 5 જેટલી ટ્રકોમાં ભરેલ શંકાસ્પદ સીરપનો જથ્થો પકડી પાડયો છે. હાલ સિરપના સેમ્પલને FSL ખાતે મોકલવામાં આવ્યા છે. આ મામલે FSL ના રિપોર્ટના આધારે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, આ સીરપનો જથ્થો રાજકોટના બે અલગ અલગ વિસ્તારમાંથી ક્રાઇમબ્રાંચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
નશાકારક ઠંડાપીણા :સમગ્ર મામલે રાજકોટ ક્રાઇમબ્રાન્ચના DCP પાર્થરાજસિંહ ગોહિલે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં અમુક પ્રકારના ઠંડા પીણા ગેરકાયેસર વહેંચાઈ રહ્યા છે. જેને પીવાથી નશો થતો હોય છે. ત્યારબાદ તે વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય છે. જેના આધારે રાજકોટ પોલીસની વિવિધ ટીમ દ્વારા આ મામલે વોચ રાખવામાં આવી હતી. ત્યારે ક્રાઇમબ્રાંચને બાતમી મળી હતી કે, રાજકોટ સહિત અલગ-અલગ જિલ્લાઓમાં આ પ્રકારના પ્રવાહીનો જથ્થો રાજકોટથી પાંચ ટ્રકમાં ભરાઈને જઈ રહ્યો છે. બાતમીના આધારે ક્રાઈમબ્રાન્ચે શહેરના નાગરિક બેંકના પાર્કિંગ તેમજ હુડકો ચોકડી સર્વિસ રોડ પાર્કિંગમાંથી આ ટ્રક ઝડપી પાડવામાં આવ્યા હતા.