રાજકોટ : ઉપલેટા તાલુકાના મજેઠી ગામે ખેતીની જમીનમાં વીજળી કનેક્શન આપવા માટેની કામગીરી કરવા માટે ગયેલા પીજીવીસીએલના કર્મચારી પર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં હુમલાની આ ઘટનામાં ઉપલેટા પીજીવીસીએલના જુનિયર એન્જિનિયરને માર મારતા ઈજાગ્રસ્ત કર્મચારીને હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં મારામારીના આ બનાવની અંદર બે વ્યક્તિઓ સામે પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે બે વ્યક્તિઓની અટકાયત કરી હોવાનું પણ સામે આવ્યું છે.
મામલો કઇ રીતે બન્યો : ઉપલેટા રૂરલમાં ફરજ બજાવતા વિરલભાઈ ભરતભાઈ કાલરીયાએ આ બનાવને લઈને પાટણવાવ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, તેઓ પોતાના કામથી એટલે કે નવા કનેક્શન આપવાના કામથી ઉપલેટા તાલુકાના મજેઠી ગામે ગયેલ હતાં. જ્યાં વાડીએથી જે જગ્યાએ કનેક્શન મૂકવાનું હતું તેમને ફોનથી જાણ કરી બોલાવેલ હતાં અને બોલાવ્યા બાદ નજીકના થાંભલામાં લંગરિયો મારેલ હોવાનું ચોરી થઈ રહેલ હોવાની બાબત માલૂમ પડતાં પીજીવીસીએલ ના કર્મચારી દ્વારા ફોટો વીડિયો ઊતારવાની કોશિશ કરી હતી. ત્યારે હુમલાની ઘટના બની હતી.