ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Crime : 397 કિલો ગાંજો પકડવાનો કેસ, રાજકોટ કોર્ટે બે મહિલા સહિત 8 આરોપીઓને 20 વર્ષની કેદ ફટકારી

રાજકોટમાં 2017માં 397 કિલો ગાંજો પકડાવાના ચકચારી કેસમાં રાજકોટ કોર્ટનો ચૂકાદો આવ્યો હતો. કોર્ટે બે મહિલા આરોપી સહિત કુલ 8 આરોપીઓને એક એક લાખના દંડ સહિત 20 વર્ષની કેદ ફટકારી છે.

Rajkot Crime : 397 કિલો ગાંજો પકડવાનો કેસ, રાજકોટ કોર્ટે બે મહિલા સહિત 8 આરોપીઓને 20 વર્ષની કેદ ફટકારી
Rajkot Crime : 397 કિલો ગાંજો પકડવાનો કેસ, રાજકોટ કોર્ટે બે મહિલા સહિત 8 આરોપીઓને 20 વર્ષની કેદ ફટકારી

By

Published : Jun 16, 2023, 9:23 PM IST

રાજકોટ : ગુજરાતમાં જાણે યુવાધન નશાના રવાડે ચડ્યું હોય તે પ્રકારે રાજકોટમાં ગાંજો અને ડ્રગ્સ પકડવાની અને વેચાવવાની ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે ગાંજાઓના આરોપીઓને 20 વર્ષની કેદ રાજકોટમાં કોર્ટ દ્વારા સંભળાવવામાં આવી છે. જે એક ઐતિહાસિક ચુકાદો માનવામાં આવે છે.રાજકોટમાં પણ કદાચ પ્રથમ વખત ડ્રગ્સ સાથે સંકળાયેલા આરોપીઓને 20 વર્ષની સજા કોર્ટ દ્વારા સંભળાવવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.

બે મહિલા સહિત 8ને સજા : આ કેસમાં બે મહિલા સહિત કુલ 8 આરોપીઓને ગાંજાના કેસમાં 20 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. તેમજ સાથે જ તમામ આરોપીઓને રૂપિયા 1-1 લાખનો દંડ પણ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. જ્યારે આ પ્રકારનો કોર્ટનો ચુકાદો આવતા ડ્રગ્સના કાળા કારોબાર સાથે સંકળાયેલા આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે.

શું હતો સમગ્ર કેસ : આ સમગ્ર કેસની વાત કરવામાં આવે તો વર્ષ 2017માં રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી મદીના જુણેજા નામની મહિલાના ઘરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જે દરમિયાન એસઓજીને આ રહેણાંક મકાનમાંથી 397 KG જેટલો ગાંજો મળી આવ્યો હતો. જ્યારે આ રહેણાંક મકાનમાં મદીના જુણેજા સાથે ઉસ્માન જુણેજા અને અફસાના જુનેજા નામના શખ્સો દ્વારા આ ગાંજો નાની-નાની પડીકીમાં પેકિંગ કરવામાં આવી રહ્યો હતો. જેને લઇને પોલીસે પંચોની હાજરીમાં આ તમામ મુદ્દા માલ કબજે કરીને બે મહિલા સહિત એક આરોપીની ધરપકડ કરી હતી.

રાજકોટની કોર્ટમાં કેસ :આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ ગાંજાનો જથ્થો સુરત ખાતેથી રાજકોટમાં લાવવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા આ મામલે કોલ રેકોર્ડિંગના આધારે અન્ય પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. જેનો કેસ રાજકોટમાં ચાલી રહ્યો હતો જે મામલે કોર્ટે આ કેસમાં કુલ 8 આરોપીઓને 20 વર્ષની કેદ ફટકારી છે અને રૂપિયા 1 - 1 લાખનો દંડ ફટકાર્યો હતો.

આરોપીઓના વકીલની દલીલ : આ સમગ્ર કેસ માટે આરોપીઓના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે એસઓજીના દરોડા દરમિયાન બે ગાડીમાંથી જે ગાંજો મળી આવ્યો છે તે બંને ગાડી આરોપીઓની નથી. આ સાથે આરોપીઓ દ્વારા જે ફોનમાં વાતચીત કરવામાં આવી છે તે ફોનના સીમકાર્ડ પણ આરોપીઓના નામના નથી. તેમજ જે ગાંજાનો જથ્થો પકડાયો છે તે ખરેખરમાં ગાંજો છે જ નહીં.

સરકારી વકીલની દલીલો માન્ય : જેની સામે સરકારી વકીલ એસ કે વોરા રોકાયેલા હતા. તેમના દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે આરોપીઓના ઘરમાંથી જે ગાંજો પકડાયો છે તે ગાંજો છે તે પ્રકારનું પ્રમાણપત્ર એફએસએલ દ્વારા જ આપવામાં આવ્યું છે. આ સાથે આ આરોપીઓ અલગ અલગ શહેરોમાં રહે છે છતાં પણ તેમની વચ્ચે આ ઘટનાના અગાઉના દિવસે મોબાઇલમાં વાતચીત થઈ હતી. આ વાતચીત ડ્રગ્સ બાબતે જ થઈ હોવાની વાતને નકારી શકાય નહી. સરકારી વકીલ દ્વારા આ મામલે પોલીસ દ્વારા એકઠા કરવામાં આવેલા પુરાવા પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેને લઈને આ તમામ દલીલોના અંતે એનડીપીએસ એકટની ખાસ અદાલતના જજ જે.ડી. સુથારે તમામ આરોપીઓને 20 વર્ષની સખ્ત કેદની સજા અને પ્રત્યેકને રૂપિયા 1,00,000 લાખનો દંડ ફરમાવેલ છે.

  1. Rajkot Crime : સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના ગુનામાં 83 વર્ષના વૃદ્ધને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા
  2. ગોંડલમાં લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ આચરનાર હવસખોરને 20 વર્ષની સજા
  3. Mahisagar Court News : આરોપીને પોક્સો એક્ટ હેઠળ વીસ વર્ષની સખ્ત કેદ અને દંડ ફટકારતી મહીસાગર કોર્ટ

ABOUT THE AUTHOR

...view details