રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા પાણીમાં જામેલી લીલ માફક બની ગઈ છે. હાઇકોર્ટ સમયાંતરે તંત્રની ઝાટકણી કાઢે ત્યારે દૂધના ઉભરા જેવી કામગીરી થાય છે. આવી કામગીરી સામે જ્યારે ટીમ મેદાને ઉતરે છે. ત્યારે એમના પર હુમલા થવાની ઘટના બને છે. આવી જ ઘટના સૌરાષ્ટ્રના મહાનગર રાજકોટ માંથી સામે આવી છે. જ્યાં ઢોર પકડવા માટે ગયેલી ટીમ પર અચાનક અજાણ્યા શખ્સો તરફથી હુમલો કરવામાં આવ્યો હતો. શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં બનેલી આ ઘટના વિસ્તારના એક સીસીટીવીમાં કેદ થઈ જતા મામલો ગંભીર બની ગયો છે. જોકે આ કેસમાં હજુ સુધી કોઈ પ્રકારની પોલીસ ફરિયાદ થઈ નથી. પણ સમગ્ર ઘટનાનો વિડીયો જોરશોરથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ઢોર પકડતી ટીમ પર ત્રાટક્યા અજાણ્યા શખ્સો
By
Published : May 6, 2023, 12:42 PM IST
ઢોર પકડતી ટીમ પર ત્રાટક્યા અજાણ્યા શખ્સો
રાજકોટ:રાજકોટ સહિત રાજ્યભરના અલગ અલગ જિલ્લાઓમાં હજુ પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. જેને લઇને કોર્પોરેશન દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાની ઢોર પકડવા ગઈ હતી. તે સમયે અજાણ્યા શખ્સોએ ઢોર પકડનારી ટીમ પર હુમલો કર્યો હોવાના સીસીટીવી સામે આવ્યા છે. હાલ તો કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. પરંતુ આવનારા દિવસોમાં કોર્પોરેશન તરફથી ફરિયાદ થઇ શકે છે.
સીસીટીવી કેમેરામાં કેદ: શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી પકડ પાર્ટી ઉપર હુમલો થયો હતો. જે ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. જોકે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. પરંતુ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયા બાદ તેનો વિડીયો વાયરલ થતાં હાલ ફરી એક વખત ઢોર પકડ પાર્ટી પર હુમલો થવાની ઘટના ચર્ચામાં આવી છે.
રાત્રિના સમયે બની ઘટના: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં ભારતીય નગરમાં બુધવારની મોડી રાત્રે ઢોર પકડ પાર્ટીની ટીમ દ્વારા રસ્તે રખડતા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એવામાં કેટલાક શખ્સો દ્વારા ઢોર પકડવાની પાર્ટીને કામગીરી કરતા રોકવામાં આવી હતી. તેમની સાથે મારામારી કરવા લાગ્યા હતા. આ તમામ ઘટના વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જોકે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. જ્યારે બીજી તરફ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ઢોર પકડ પાર્ટી દ્વારા વારંવાર ખોટી રીતે તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. જોકે ઢોર પકડ પાર્ટી સાથે વધુ એક વખત મારામારીની ઘટના સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી છે.
ત્રણ શિફ્ટમાં કરાય છે કામગીરી: રાજકોટ મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી દ્વારા 3 શિફ્ટમાં કામ કરવામાં આવે છે. જેમાં સવાર બપોર અને રાત્રી દરમિયાન પણ ઢોર પકડવાની કામગીરી શરૂ રાખવામાં આવી છે. ત્યારે આ અગાઉ રાજકોટના ભાવનગર રોડ ઉપર ઢોર પકડ પાર્ટી દ્વારા રાત્રીના સમયે હુમલો થવાની ઘટના સામે આવી હતી. જેને લઈને ઢોર પકડ પાર્ટી સાથે પોલીસ જવાનો પણ બંદોબસ્તમાં રાખવામાં આવ્યા હતા. એવામાં ફરી એક વખત શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં ઢોર પકડ પાર્ટી સાથે મારામારીની ઘટના બની છે. ત્યારે આ સમગ્ર ઘટના વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. જ્યારે ઢોર પકડ પાર્ટી સાથે મારામારીની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા બાદ કોર્પોરેશન દ્વારા આ મામલે તપાસનો આદેશ આપવામાં આવ્યા છે. તેમજ જરૂર જણાશે તો આગામી દિવસોમાં પોલીસ ફરિયાદ પણ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવશે.