રાજકોટઃ રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર થતા બાદ ગુજરાતના રાજકારણમાં જબરો ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના 8 ધારાસભ્યોએ ચૂંટણી પહેલા જ પક્ષમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. જ્યારે હજૂ પણ કોંગ્રેસના ધારાસભ્યો તૂટવાનો પક્ષને ભય સતાવી રહ્યો છે. જેને પગલે સૌરાષ્ટ્રભરના કોંગ્રેસના ધારાસભ્યોને હાઇકમાન્ડ દ્વારા રાજકોટના નિલસિટી રિસોર્ટમાં ભેગા કરીને રાખવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
રાજકોટના નિલસિટી ખાતે શુક્રવાર રાતથી જ સૌરાષ્ટ્ર ઝોનના અલગ અલગ વિસ્તારના ધારાસભ્યો લાવવામાં આવ્યો છે. જ્યારે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને અર્જુન મોઢવાડીયા અને હાર્દિક પટેલ પણ નિલસિટી ખાતે આવી પહોંચ્યા છે.
સૌરાષ્ટ્રભરના કોંગી ધારાસભ્યો રાજકોટના નિલસિટી રિસોર્ટ ખાતે પહોંચ્યા અત્યાર સુધીમાં રાજકોટ ખાતે કોંગ્રેસના 10 જેટલા ધારાસભ્ય નિલસિટી ખાતે પહોંચ્યા છે. જ્યારે અન્ય ધારાસભ્યો આવી ગયા બાદ ધારાસભ્યોની બેઠક યોજાશે. તેમજ રાજ્યસભાની ચૂંટણી માટે આગામી રણનીતિ પણ ઘડવામાં આવશે.
જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીની તબિયત હાલ બરાબર ન હોવાના કારણે તેઓ આ બેઠકમાં હાજરી આપી શકશે નહીં. જ્યારે બાકીના ધારાસભ્ય આવી ગયા બાદ આગામી રણનીતિ અંગે ચર્ચા થશે તેવું કોંગ્રેસના નેતાઓ જણાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ચૂંટણી પહેલા હજૂ પણ કોંગ્રેસના ધારાસભ્યો તૂટી શકવાનો ભય કોંગ્રેસને સતાવી રહ્યો છે. જે કારણે હાલ કોંગ્રેસ તેના ધારાસભ્યોને એકઠા કરી તેમની સાથે ચર્ચા વિચારણા કરી રહી છે.