રાજકોટ : સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. જ્યારે આ વખતે સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવેલા 100 કરતા વધારે સ્ટ્રેચરને ભગવો એટલે કે કેસરી કલર કરવામાં આવ્યો હતો. જ્યારે કેસરી કલર મામલે વિવાદ વધુ વધતા ફરી સ્ટ્રેચરમાં સફેદ કલર કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેને લઇને સિવિલ હોસ્પિટલની આ પ્રકારની કામગીરી પર અનેક સવાલો ઉભા થાય છે. બીજી તરફ આ મામલે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે પણ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. સિવિલ હોસ્પિટલની આ પ્રકારની ગંભીર ભૂલ હાલ સૌરાષ્ટ્રભરમાં ચર્ચાનો વિષય બની છે.
Rajkot News : રાજકોટ સિવિલના સ્ટ્રેચરમાં ભગવો કલર કરતા વિવાદની ભવાઈ, કેસરી કલર હટાવ્યો
રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્ટ્રેચરમાં કેસરી કલર કરાતા વિવાદ વધ્યો હતો. કેસરી કલરને લઈને વિવાદ વધતા સ્ટ્રેચરમાં કલર બદલવામાં આવ્યો છે. આ સમગ્ર મામલાને લઈને કોંગ્રેસ નેતાએ વિરોધ કરીને કહ્યું કે, આ સરકાર કેટલી નિમ્ન કક્ષાએ જઈ રહી છે.
આ સરકાર કેટલી નિમ્ન કક્ષાએ જઈ રહી છે. તે જોવા મળી રહ્યું છે. જ્યારે હિન્દુ ધર્મ એવો છે કે તેં મિટાવી ન શકાય પરંતુ ભાજપ સરકાર આવ્યા પછી લગભગ બધી જ જગ્યાએ કેસરી કલર કરવામાં આવી રહ્યા છે. એવામાં હોસ્પિટલની વાત કરીએ વિશ્વમાં લગભગ તમામ જગ્યાએ સફેદ કલર જ હોય છે. તેમજ તેમાં ઉપયોગમાં લેવાતા બેડ, સ્ટ્રેચર સહિતની વસ્તુઓ પણ હંમેશા સફેદ કલરની હોય છે. જેના કારણે સફેદ કલર એ શાંતિની નિશાની છે અને દર્દીઓનું મન પણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન શાંત રહે પણ ભાજપ સરકાર લોકોને ગુમરાહ કરવા અને ખોટી રીતે હિંદુવાદ ઉભો કરવા માટે એવા કામ કરી રહી છે. જ્યારે આ મામલે યોગ્ય તપાસ થવી જોઈએ. - મહેશ રાજપૂત (કોંગ્રેસ નેતા)
સ્ટ્રેચરમાં કલર ચેન્જ :તો બીજી તરફ હોસ્પિટલના મેડિકલ ઓફિસરે આ અંગે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચર ન મળવાની, બદલાઈ જવાની અને ગુમ થઈ જવાની ફરિયાદ મામલે નર્સિંગ ઇન્ચાર્જ ઇમરજન્સી દ્વારા લેવામાં આવ્યો હતો. આ નિર્ણય પહેલા વિવિધ તબીબો સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ હું માનું છું કે આ નિર્ણય અપૂરતો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે સ્ટ્રેચરમાં કલર ચેન્જ કરવો હોય તો આપણને મનગમતો કલર તેમાં કરી શકાય નહીં. જે અંગેની વાત અમે તેમને ધ્યાને દોરી છે, પરંતુ હવે પછી તેમને આ કલર ચેન્જ કરવો જ પડશે. તેમજ જો સ્ટ્રેચર બદલાઈ જવાની અને ન મળવાની ફરિયાદ હોય તો આ સ્ટ્રેચરમાં એક નિશાની કરી દેવાય જેના કારણે તે ફરીથી ઓળખાઈ જાય. હવે આ અંગે સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ સ્ટ્રેચરનો કલર બદલવા અંગેની કામગીરી કરાશે.