મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાયેલ રાજકોટ સિવિલ હોસ્પિટલની કેથલેબની સુવિધા ઠપ્પ રાજકોટ :રાજકોટની સિવિલ હોસ્પિટલને સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ માનવામાં આવે છે. એવામાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કેથલેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક ટેકનિકલ કારણોસર આ લેબ હાલ બંધ રાખવામાં આવી છે. જેને લઈને અહીંયા સારવાર લેવા માટે આવતા દર્દીઓને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. આ મામલે સિવિલ તંત્ર દ્વારા આગામી બે થી ત્રણ દિવસમાં કેથલેબ શરૂ થઈ જશે તેવી હૈયાધારણા આપવામાં આવી રહી છે. એવામાં સવાલો એવા ઊભા થઈ રહ્યા છે કે, તાજેતરમાં જ અદ્યતન કેથલેબનું ઉદઘાટન મુખ્યપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું હતું. એવામાં થોડા દિવસોમાં તે ક્યા કારણોસર બંધ થઈ ગઈ છે.
કેથલેબ કેમ છે બંધ ?આ મામલે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. આરએસ ત્રિવેદીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં કેથલેબ શરૂ કરવામાં આવી હતી. પરંતુ ટેકનિકલ કારણોસર તે હાલ બંધ છે. જેમાં પણ મુખ્યત્વે બે જાતના ટેકનિકલ કારણો સામે આવ્યા હતા. જેમાં સોફ્ટવેર ઇસ્યુ અને હાર્ડવેર ઇસ્યુના કારણો જોવા મળ્યા છે. જ્યારે આ મશીન ખૂબ જ આધુનિક છે. જેના માટે મશીન અહીંયા લોકલ કક્ષાએ રિપેર થઈ શકે એમ નથી.
ક્યારે શરૂ થશે લેબ ?ડો. આરએસ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, આ મશીન જેમના દ્વારા ફાળવવામાં આવ્યું છે તેઓની મુંબઈથી ટીમ આવનાર છે. જેમાં બાયો મેડિકલ એન્જિનિયર સહિતના ટેકનીકલ ટીમ સ્ટાફ છે. આ ટીમ દ્વારા બે વાર કેથલેબ મશીનની વિઝીટ કરી છે. જેમાં હાર્ડવેરની જે સમસ્યા હતી તે દૂર થઈ ગઈ છે. હવે માત્ર સોફ્ટવેરની સમસ્યા આવી રહી છે. જેને લઈને આવતીકાલે બાયોમેડિકલ એન્જિનિયરની ટીમ ફરી રાજકોટ ખાતે આવશે અને આ મશીનને તપાસ કરશે. બાયો મેડિકલ એન્જિનિયરની ટીમ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આવશે અને આગામી બે દિવસ સુધી આ મશીનને ચાલુ રાખીને તેમાં જરૂરી તપાસ કરશે. ત્યારબાદ આગામી ગુરૂવારથી આ મશીન દર્દીઓ માટે ઉપયોગી બનશે.
પ્રાથમિક સારવાર ચાલુ છે : હાલમાં હાર્ટઅટેકની સારવાર રાજકોટ પીડીયું હોસ્પિટલ ખાતે શરૂ છે. એવામાં જ્યારે હાર્ટ એટેક આવે ત્યારે પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે. જેમાં મેડિસિન અને ડોક્ટરની ટીમ કાર્યરત છે. તેમજ કર્ડિયાટ આઈસીયુ પણ શરૂ છે. આ સિવાય કેથલેબમાં આપણે જે તે સમયે બે વસ્તુ શરૂ કરી હતી. જેમાં એન્જીઓગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી આ ટ્રીટમેન્ટ હાર્ટ એટેક આવ્યા બાદ છેલ્લે કરવાની હોય છે. એવામાં હાલ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર શરૂ છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કેથલેબને ખુલ્લી મુકવામાં આવી હતી. એવામાં તે બંધ થઈ જતા ચર્ચાનો દોર શરૂ થયો છે.
- Rajkot Abhayam : 10 વર્ષની દીકરી માતાને શોધવા રાજકોટ આવી અને ભૂલી પડી પછી...
- Rajkot News : રાજકોટ સિવિલના સ્ટ્રેચરમાં ભગવો કલર કરતા વિવાદની ભવાઈ, કેસરી કલર હટાવ્યો