રાજકોટ: ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલા સર્વેશ્વર ચોકમાં વર્ષો જૂના વોકળાનો સ્લેબ તૂટી પડ્યો હતો. જેના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું અને અંદાજિત 25 જેટલા લોકોને ઈજાઓ થઈ હતી. જ્યારે આ મામલે રાજકોટ મનપા દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે આજે કોર્પોરેશન દ્વારા આ ઘટનામાં મૃત્યુ પામેલા અને ઇજાગ્રસ્ત થયેલા લોકો માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે.
રાજકોટમાં સર્વેશ્વર ચોક દુર્ઘટના મામલે મહાનગરપાલિકા દ્વારા સહાયની જાહેરાત - Sarveswar Chowk accident
રાજકોટમાં ગણેશ ચતુર્થી પર સર્વેશ્વર ચોકમાં વર્ષો જૂનો વોકળો તૂટી પડ્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત અને અંદાજિત 25 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. જે મામલે મહાનગરપાલિકા દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે.
Published : Dec 4, 2023, 5:43 PM IST
મૃતકના પરિજનોને 4 લાખની સહાય: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વેશ્વર ચોકની દુર્ઘટના મામલે મૃતકના પરિવારજનોને 4 લાખની સહાય અને ઇજાગ્રસ્ત થયેલા લોકોને 50 - 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. આ તમામ લોકોને કોર્પોરેશન દ્વારા ટૂંક સમયમાં સહાય આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બીજી તરફ સર્વેશ્વર ચોકની દુર્ઘટના મામલે કોર્પોરેશન દ્વારા કોઈ આકરી કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
ગણેશ ચતુર્થી દરમિયાન બની હતી ઘટના:ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન સર્વેશ્વર ચોકમાં સર્વેશ્વર ચોકકા રાજાના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. એવામાં શિવમ કોમ્પલેક્ષ નજીક લોકો નાસ્તા માટે પણ એકઠા થયા હતા. જ્યારે આ બિલ્ડીંગની નજીક વર્ષો જૂનો વોકળો આવેલો છે. જેના ઉપર અંદાજિત 20 વર્ષ પહેલા સ્લેબનું બાંધકામ કરીને રસ્તાઓ બનાવવામાં આવ્યો હતો. એવામાં ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન લોકોની ભીડ વધી જતાં આ વોકળો તૂટી પડ્યો હતો. જે ઘટનામાં અંદાજિત 50 કરતાં વધારે લોકો આ વોકડામાં પડ્યા હતા, જેમાંથી કેટલાક લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી અને એક વ્યક્તિ ગંભીર રૂપે ઘાયલ થઈ હતી. જેનું સારવાર દરમિયાન મોત થયું હતું.