રાજકોટઃ કોંગ્રેસના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સ પહેલા હાર્દિકની હાજરીમાં રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5ના ભાજપના મહિલા કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણીયા સહિત 30 કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને હાર્દિકના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. ત્યારબાદ હાર્દિક પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પર આકરા પ્રહારો કર્યા હતા.
કોંગ્રસના "હાર્દિક" આમંત્રણને રાજકોટ ભાજપના 5 કોર્પોરેટરોએ સ્વીકાર્યાનો દાવો
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ રાજકોટના પ્રવાસે છે. ત્યારે હાર્દિક પટેલની અધ્યક્ષતામાં ભાજપના મહિલા કોર્પોરેટર દક્ષા ભેંસાણિયા સહિત 30 સભ્ય કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારબાદ રાજકોટમાં હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
હાર્દિક પટેલે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપના પ્રમુખે સૌરાષ્ટ્રભરમાં કોરોના ફેલાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. સાથે જ હાર્દિકે સરકાર દ્વારા ખેડૂત માટે જાહેર કરવામાં આવેલી યોજનાને લોલીપોપ ગણાવતા કહ્યું હતું કે ગત વર્ષની સહાય હજુ પણ ખેડૂતોને મળી નથી. હાર્દિકે કહ્યું કે, આગામી દિવસોમાં હજુ પણ રાજકોટ ભાજપના પાંચ કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાશે.
ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણી છે તેમાં રાજકોટ મહાનગરપાલિકાનો પણ સમાવેશ થાય છે. જેને લઇને હાલ રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા અત્યારથી જ ચૂંટણી પ્રચાર માટેના એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.