રાજકોટ : બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 1 અને 2 જૂનના રોજ રાજકોટ ખાતે આવનાર છે, ત્યારે ગઈકાલે રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડમાં બાગેશ્વર ધામ સેવા સમિતિના કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યાલયમાં ભાજપ અને કોંગ્રેસના બંને પક્ષના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. જ્યારે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રી પર અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તેમને ભાજપના બાબા ગણાવવામાં આવી રહ્યા છે. એવામાં રાજકોટ કોંગ્રેસના પ્રદેશ કક્ષાના દિગ્ગજ નેતાઓ બાગેશ્વર ધામ સમિતિના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે ફરી એકવાર સાબિત થઈ રહ્યું છે કે રાજકોટ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ ઊભો થયો છે.
જ્યારે સનાતન હિંદુ ધર્મનો કાર્યક્રમ હોય, હિન્દુ ધર્મની વાતો હોય, આરાધ્યદેવ બજરંગ બલીની વાત હોય ત્યારે કોંગ્રેસ સર્વ ધર્મ સંભવને માને છે. જેના કારણે હું આ કાર્યક્રમમાં આમંત્રણને માન આપીને હાજર રહ્યો હતો. જ્યારે આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમમાં જો મને આમંત્રણ મળશે તો હું ચોક્કસ આ કાર્યક્રમમાં હાજરી આપીશ. ધાર્મિક પ્રવૃત્તિ અને અંધશ્રદ્ધા આ બંને જુદી બાબતો છે. કોઈપણ રોગ દોરા ધાગાથી કે ભભૂતિ લગાડવાથી કે પાણી પાવાથી અથવા હાથ ફેરવવાથી મટતો નથી. જ્યારે માંદગી માટે ડોક્ટર સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી, પરંતુ જે ધર્મની અને કથાની વાત છે તેમાં અમે ધીરેન્દ્ર શાસ્ત્રીની સાથે છીએ.- ડો. હેમાંગ વસાવડા (કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતા)
શાસ્ત્રી રાતોરાત મીડિયા સાથે સેટીંગ કરી :તોબીજી તરફ આ મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે, બાગેશ્વર ધામ સમિતિના કાર્યાલય ઉદઘાટન પ્રસંગે કોઈપણ વ્યક્તિ વ્યક્તિગત કઈ રીતે ગયા હોય તેમજ તેમના વિચારો શું હોય તે વ્યક્તિ જ જાહેર કરી શકે છે. કાર્યક્રમમાં જે કોંગ્રેસના ત્રણ નેતાઓ ગયા હતા. તેનો ખુલાસો પણ આ ત્રણ નેતાઓ જ આપી શકે છે કે તેઓ કયા કારણોસર આ કાર્યક્રમમાં ગયા હતા, પરંતુ હું આ મામલે સ્પષ્ટ માનું છું કે કે ધીરેન્દ્ર શાસ્ત્રી રાતોરાત મીડિયા સાથે સેટીંગ કરીને અચાનક બજારમાં આવી ગયા છે.