રાજકોટ :રાજકોટમાં તારીખ 1 અને 2 જૂનના રોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાનો દિવ્ય દરબાર યોજનાર છે, ત્યારે આ દિવ્ય દરબારને લઈને રાજકોટમાં બાગેશ્વર ધામ સેવા સમિતિ દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કાર્યાલય ખોલવામાં આવ્યું છે. જ્યારે રાજકોટના લોક દરબારમાં આવનાર લોકો મોટી સંખ્યામાં અહીંયા પૂછપરછ માટે આવી રહ્યા છે. એવામાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દર્શનનો લાભ લેવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી 75 હજારથી 1 લાખ લોકો અહીંયા આવી પહોંચે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. જેના મેનેજમેન્ટ માટે બાગેશ્વર ધામ કમિટી દ્વારા 30 કરતા વધુ અલગ અલગ કરતાં સમિતિની રચના કરવામાં આવી છે અને હાલ આ સમગ્ર કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
બાગેશ્વર ધામનું કાર્યાલય રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અત્યારે બાગેશ્વર ધામ સેવા સમિતિના જેટલા પણ કાર્યકરો છે અને વિવિધ સમિતિઓ બનાવવામાં આવેલી છે. તેમનું સંકલન હવે આજથી ચાલુ થઈ જશે. તેમજ રાજકોટ અને સૌરાષ્ટ્રના જે પણ ભક્તો અહીંયા કંઈ પણ પૂછપરછ માટે આવશે તો કાર્યાલય તરફથી તેમને યોગ્ય માર્ગદર્શન મળી રહેશે. હાલમાં કાર્યાલય ખાતે મોટા ભાગે ભક્તો દર્શન અમને કેવી રીતે થશે અને કાર્યક્રમો આયોજન કેવી રીતે છે તેની પૂછપરછ માટે આવી રહ્યા છે. - યોગિન છણિયાર (બાગેશ્વર ધામ સેવા સમિતિના સભ્ય)
અગાઉ 75 લોકોની ટીમ બાગેશ્વર ધામથી આવશે :રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ તારીખ 1 અને 2 જુનના છે, પરંતુ તેઓ 31 એપ્રિલના રોજ સાંજના સમયે રાજકોટ આવી પહોંચે તેવી શક્યતાઓ છે. જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવે તે પહેલા જ તેમની 75 લોકોની ટીમ રાજકોટ આવી જશે. જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના રસોયા સાથે જ લઈને આવશે એટલે કે તેઓ બહારનું કંઈ આરોગતા નથી. જેના માટે રાજકોટ બાગેશ્વર ધામ સમિતિ દ્વારા આ તમામ લોકોને રહેવાની વ્યવસ્થા ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જોકે હજુ ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં કયા સ્થળે રોકાશે તે સામે આવ્યું નથી, પરંતુ જ્યાં વિશાળ પાર્કિંગ થઈ શકે અને મોટા પ્રમાણમાં લોકો તેમને મળવા આવે, ત્યારે ભીડ એકઠી ન થાય તેવી જગ્યા બાગેશ્વર ધામ સમિતિ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.
100 ફૂટ લાંબુ અને 8 ફૂટ ઊંચું સ્ટેજ :ધીરેન્દ્ર શાસ્ત્રી માટે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં 100 ફૂટ લાંબુ અને 8 ફૂટ ઊંચું વિશાળ સ્ટેજ બનાવવામાં આવશે. જ્યારે દિવ્ય દરબારમાં અંદાજિત 75 હજારથી એક લાખ લોકો ઉમટી પડશે. ત્યારે તેમના માટે પણ ગ્રાઉન્ડમાં અસુવિધા ન સર્જાય તેવી બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે. જ્યારે કાર્યક્રમ સ્થળે ખુલ્લું ગ્રાઉન્ડ રાખવામાં આવશે અને આ કાર્યક્રમમાં ભાગ લેનાર લોકોને પાણી, છાસ તેમજ ફૂટ પેકેટનું નિશુલ્ક વિતરણ વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. જેના માટેની તૈયારીઓ પણ બાગેશ્વર ધામ સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે.