રાજકોટ :આગામી 1 અને 2 જૂનના રોજ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજનાર છે, ત્યારે આ દિવ્ય દરબારને લઈને કેટલાક સામાજિક સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટમાં પણ વિજ્ઞાન-જાથા દ્વારા આ મામલે પોતાનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જેમાં વિજ્ઞાન-જાથા દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ કરવામાં આવી છે કે, રાજકોટમાં યોજાનાર લોક દરબારમાં વિજ્ઞાન જાથાના 50 લોકો હશે. જેમાંથી ધીરેન્દ્ર શાસ્ત્રીએ 10 લોકોના નામ ઓળખી બતાવવાના રહેશે. તેમજ તેમના ખિસ્સામાં રહેલ નોટના નંબર પણ આપવાના રહેશે. જેના કારણે ધીરેન્દ્ર શાસ્ત્રીની વિશ્વાસનીયતા છે તે સામે આવે, ત્યારે વિજ્ઞાન જાથા દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રી પર પોલીસ ફરિયાદ કરવાની પણ માંગણી કરી છે.
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા સુરત, અમદાવાદ, બરોડા અને રાજકોટ ખાતે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેની સામે અમે વિરોધ વ્યક્ત કર્યો છે. જ્યારે આ પ્રકારના કાર્યક્રમો થકી અવૈજ્ઞાનિક રીતે અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ થઈ રહ્યું છે. ધીરેન્દ્ર શાસ્ત્રી મોટા પ્રમાણમાં લોકોને એકઠા કરે છે અને અલગ અલગ પરચા આપે છે. તેમજ લોકોની બીમારીઓ દૂર કરવાના દાવા કરે છે. જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીની વર્તણુક પણ હાસ્યાસ્પદ છે. જેમાં તેઓ નાના મોટાનું ધ્યાન રાખતા નથી. તેમજ તેમનામાં પીઢતાના પણ દર્શન થતા નથી. જેના કારણે તેમની સંત તરીકેની ભૂમિકા પણ ખૂબ જ શંકાસ્પદ દેખાઈ રહી છે, ત્યારે આ કારણે ગુજરાતના સાધુ સંતોનું પણ અપમાન થઈ રહ્યું છે. - જયંત પંડયા (ચેરમેન, વિજ્ઞાન જાથા)
અમે પણ હિન્દુ ધર્મને માનીએ છીએ :જયંત પંડ્યા એ વધુમાં જણાવ્યું હતું કે, સનાતન ધર્મમાં અમે પણ માનીએ છીએ. તેમજ અમે પણ સનાતન ધર્મને ફોલો કરીએ છીએ અને હિન્દુ ધર્મને ફોલો કરીએ છીએ. જ્યારે અમે હિન્દુ ધર્મનો વિરોધ કરતા નથી, પરંતુ જે રીતે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી છે. તેમજ કોઈપણ જાતના લાયસન્સ વગર લોકોને સાજા કરવાની વાત કરે છે. જેની સામે અમારો સદેવ વિરોધ છે.