રાજકોટઃ અમુલ ઈન્ડસ્ટ્રીના કર્મચારીઓ પર આભ તૂટી પડ્યું છે. આ કંપનીમાં કામ કરતા 3 કર્મચારીઓ એક પછી એક આત્મહત્યા કરી ચૂક્યા છે. વધુ કર્મચારીઓ પણ આત્મહત્યા ની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. ઈટીવી ભારતે આ ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરી હતી. જેમાં ચોંકાવનારા કારણો સામે આવ્યા છે.
400 પરિવારો તકલીફમાંઃ અમુલ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા કર્મચારીઓને પગાર અને પીએફની સમસ્યા બે વર્ષથી નડી રહી છે. જેને લઈને અનેક કર્મચારીઓએ પગાર લીધા વિના કંપનીને અલવિદા કરી દીધું છે. જ્યારે 3 કર્મચારીઓએ કંપનીની આડોડાઈને લીધે આત્મહત્યા કરી છે. જેમાં વિક્રમ બકુત્રા, અનિલ વેગડા અને હરેશ હેરભા કર્મચારીઓએ મોતની પછેડી તાણી લીધી છે. કંપનીના માલિકો એવા ભાઈઓ નીતિન સંતોકી અને સુરેશ સંતોકી તેમજ ભાગીદારોમાં તકરારને લીધે કર્મચારીઓને પગારના પણ સાંસા પડી રહ્યા છે. કર્મચારીઓ કંપની વિરુદ્ધ લેબર કોર્ટમાં પણ ગયા હતા. કોર્ટે બે વાર કર્મચારીઓની તરફેણમાં હુકમ આપ્યો છે પણ જાડી ચામડીના કંપની માલિકોને કોઈ ફેર પડતો નથી. તેઓ કોઈક પીઠબળના આધારે કાયદાને પણ ઘોળીને પી ગયા છે. કંપનીમાં કામ કરતા 400 કર્મચારીઓને 13 મહિનાથી પગાર ચૂકવાયો નથી અને 30 મહિનાથી પીએફના નાણાં જમા કરાયા નથી. કંપની સંચાલકોની આડોડાઈને લીધે 400 પરિવારોને ભૂખે મરવાનો વારો આવ્યો છે. ઈટીવી ભારતે કંપનીના મેનેજમેન્ટ સાથે આ મુદ્દે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મેનેજમેન્ટ તરફથી કોઈ રિસ્પોન્સ આપવામાં આવ્યો નહતો.