રાજકોટ : સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર એવા રંગીલા રાજકોટમાં આજથી ઉદયપુર અને ઈન્દોરની ફ્લાઈટ શરૂ થઈ છે. ત્યારે આજે સવારે આ બંને શહેરની ફ્લાઈટ રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચતા તેનું વોટર કેનનથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, રાજકોટથી હવે ઉદયપુર અને ઇન્દોર માટેની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થતા આગામી દિવસોમાં રાજકોટ તેમજ સૌરાષ્ટ્રભરના લોકોને તેનો સીધો લાભ મળશે. છેલ્લા ઘણા સમયથી ઉદયપુર અને ઈન્દોરની ફ્લાઈટ રાજકોટથી ડાયરેક્ટ શરૂ થાય તેવી વેપારીઓની માંગણી હતી. ત્યારે હવે આ ફ્લાઇટ શરૂ કરવામાં આવતા વેપારીઓને પણ રાહત થશે.
Rajkot Udaipur-Indore Flight : રાજકોટમાં ઉદયપુર-ઇન્દોરની ફ્લાઇટનું અનોખું સ્વાગત, ડાયરેક્ટ રેગ્યુલર ફ્લાઈટ શરુ
રાજકોટમાં આજથી ઉદયપુર અને ઈન્દોર શહેર માટે ડાયરેક્ટ ફ્લાઈટની શરુઆત કરવામાં આવી છે. ત્યારે આ ફ્લાઇટ રાજકોટ એરપોર્ટ ખાતે પહોંચતા તેનું વોટર કેનન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, હાલમાં રાજકોટમાં દૈનિક 12 જેટલી અલગ અલગ શહેરો માટેની ફ્લાઈટ શરૂ છે.
ઇન્દોર-ઉદયપુર માટે ડેઇલી ફ્લાઇટ : રાજકોટ એરપોર્ટ ઉપર આજે સવારે ઈન્ડિગો એરલાઇન્સ કંપનીની ઉદયપુરની ફ્લાઇટ આવી પહોંચી હતી. ત્યારબાદ ઇન્દોર માટેની ફ્લાઇટ પણ આજથી જ શરૂ થઈ હતી. આ બંને ફ્લાઈટો રાજકોટ એરપોર્ટ ઉપર પ્રથમવાર આવતા તેનું વોટર કેનનથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ પેસેન્જરના હસ્તે એરપોર્ટ પર કેક પણ કાપવામાં આવી હતી. હવે રાજકોટ ખાતેથી ઉદયપુર અને ઇન્દોરની ડાયરેક્ટ ફ્લાઇટ મળી રહેશે. જેના કારણે મુસાફરોને પ્રવાસમાં સરળતા રહેશે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા છેલ્લા ઘણા સમયથી રાજકોટ ઉદયપુર અને રાજકોટ ઈન્દોર માટેની ડાયરેક્ટ ફ્લાઈટની એરપોર્ટ ઓથોરિટી પાસે માંગણી કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટ : રાજકોટની ભાગોળે હિરાસર ગામ નજીક આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ કર્યું છે. ત્યારે આ એરપોર્ટનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તાજેતરમાં જ કરવામાં આવ્યું હતું. પરંતુ એરપોર્ટમાં હજુ થોડું કામ બાકી છે. જેના કારણે એરપોર્ટ ઓથોરિટી દ્વારા હાલમાં રાજકોટના જુના એરપોર્ટનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટૂંક જ સમયમાં રાજકોટનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ધમધમતું થશે. હાલમાં રાજકોટમાં દૈનિક 12 જેટલી અલગ અલગ શહેરો માટેની ફ્લાઈટ શરૂ છે. જેમાં રાજકોટથી મુંબઈ, દિલ્હી, ગોવા, પુના, બેંગ્લોર અને હવે ઉદયપુર અને ઇન્દોર સહિતને શહેરોમાં ડાયરેક્ટ ફ્લાઇટ મળી રહે છે.