રાજકોટ :સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં એરપોર્ટની સુરક્ષામાં ખૂબ જ મોટી ચુક જોવા મળી છે. નશાની હાલતમાં રીક્ષા ચાલક એરપોર્ટનો વીવીઆઈપી ગેટ તોડીને રનવે સુધી પહોંચી ગયો હતો. જ્યારે આ ઘટનાની જાણ CISFના સુરક્ષા જવાનોને થતા. તેમને તાત્કાલિક આ રીક્ષા ચાલકની અટકાયત કરી હતી અને રાજકોટની ગાંધીગ્રામ પોલીસને આ રીક્ષા ચાલકને સોંપી દીધો હતો.
આ પણ વાંચો :Rajkot Airport: રનવે તૈયાર, શહેરને ટૂંક સમયમાં મળશે રાજ્યનું પહેલું ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ
નશામાં હતોઃ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે કે, આ રીક્ષા ચાલક નશાની હાલતમાં હતો. જ્યારે એરપોર્ટ ખાતે આ પ્રકારની સુરક્ષામાં ચુકની ઘટના સામે આવતા રાજકોટ પોલીસે સમગ્ર એરપોર્ટનું ચેકિંગ હાથ ધર્યું હતું. પરંતુ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. જેને લઇને પ્રવાસીઓએ રાહતના શ્વાસ લીધો હતો.
રીક્ષા ચાલકની ધરપકડ :સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગઈકાલે સાંજના સમયે એક રીક્ષા ચાલક નશાની હાલતમાં રાજકોટ એરપોર્ટના વીઆઈપી ગેટ તોડીને રનવે નજીક પહોંચી ગયો હતો. જે ઘટનાને પગલે સીઆઇએસએફના જવાનોએ તાત્કાલિક આ રીક્ષા ચાલકની અટકાયત કરી હતી. જ્યારે દિપક જેઠવા નામના રીક્ષા ચાલકને સીઆઇએસએફના જવાનોએ ગાંધીગ્રામ પોલીસની સોંપ્યો હતો. ત્યારબાદ ગાંધીગ્રામ પોલીસે રિક્ષા ચાલક દિપક જેઠવાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.