રાજકોટ :હાલ ગણેશ ચતુર્થીના તહેવાર નિમિત્તે રાજકોટમાં એક દુર્ઘટના સર્જાઈ છે. જેમાં એક જ પરિવારના મામા-ભાણેજના મોત થયા છે. મામા-ભાણેજ પોતાના પરિવાર સાથે આજીડેમ ખાતે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા માટે ગયા હતા. તે દરમિયાન આજીડેમના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા મામા-ભાણેજનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ત્યારે આ મામલે આજીડેમ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ સાથે જ મામા અને ભાણેજના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે મામા-ભાણેજના મોત થયાની ઘટના સામે આવતા પરિવારજનોમાં દુઃખની લાગણી પ્રસરી જવા પામી છે.
Rajkot Accident News : રાજકોટના આજીડેમમાં ગણેશ વિસર્જન સમયે કરૂણ દુર્ઘટના, પાણીમાં ડૂબવાથી મામા-ભાણેજનું મોત - આજીડેમ પોલીસ
રાજકોટના આજીડેમમાં ગણેશજીના વિસર્જન સમયે કરુણ ઘટના બની છે. આજીડેમમાં ગણેશજીનું વિસર્જન કરવા ગયેલા પરિવારના બે વ્યક્તિનું પાણીમાં ડૂબવાથી મોત થયું છે. બંને મૃતક સંબંધે મામા-ભાણેજ હતા. ઘટનાની જાણ થતા પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, મામા-ભાણેજના મોતથી પરિવાર સહિત શહેરમાં દુઃખની લાગણી પ્રસરી જવા પામી છે.
Published : Sep 23, 2023, 9:49 PM IST
વિસર્જન સમયે અકસ્માત : આ મામલે પરિવારના સભ્ય વિપુલગીરી ગોસ્વામીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે બપોરના સમયે પરિવારના સભ્યો સાથે ગણેશજીની મૂર્તિનું વિસર્જન માટે ગયા હતા. જ્યારે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરી રહ્યા હતા. એ દરમિયાન ડેમમાં અચાનક ખાડો આવ્યો હતો. આ ખાડામાં મામા-ભાણેજ ઊંડા પાણીમાં અચાનક ગરકાવ થઈ ગયા હતા. ગણેશજીના વિસર્જન માટે પરિવારના લગભગ 7 થી 8 જેટલા સભ્યો ગયા હતા. જ્યારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. હાલ અમે મામા અને ભાણેજના મૃતદેહોને પીએમ અર્થે લઈને આવ્યા છીએ. આ ઘટનામાં હર્ષ ગોસ્વામી અને કેતન ગોસ્વામીનું ડૂબી જવાના કારણે મોત થયું છે.
મામા-ભાણેજનું મોત : ગણેશ વિસર્જન નિમિત્તે એક જ પરિવારના બે સભ્યોના મોત થવાના કારણે પરિવાર ઉપર આભ ફાટે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જ્યારે મૃતક કેતન ગોસ્વામીની ઉંમર ૩૩ વર્ષ અને હર્ષ ગોસ્વામી નામના ભાણેજની ઉંમર 19 વર્ષની છે. આ પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી કોઠારીયા રોડ ઉપર આવેલ મણીનગર સોસાયટીમાં રહેતો હતો. પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરી હતી. એવામાં ગણેશજીના વિસર્જન સમયે આ પ્રકારની દુર્ઘટના સામે આવ્યા બાદ શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય ગણેશજીનું પાણીમાં વિસર્જન કરતા હોય તે ઘટના વીડિયોમાં પણ કેદ થઈ છે. જેમાં આ બંને મામા ભાણેજ ડૂબતા હોવાનું પણ જોવા મળી રહ્યું છે.