રાજકોટ :શહેરમાં ગંભીર પ્રકારના અકસ્માત સામે આવી રહ્યા છે. જેમાં અનેક લોકોના ભોગ લેવાઈ રહ્યા છે. ત્યારે આવો જ એક વધુ અકસ્માત શહેરના નવા બનેલા 150 ફૂટ રિંગરોડ પર બન્યો છે. જેમાં એક ટ્રકચાલક દ્વારા રસ્તા પરથી પસાર થઈ રહેલા ટુ વ્હીલરને અડફેટે લેવામાં આવ્યું હતું. આ ઘટનામાં એક વિધાર્થીનીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય એક વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. કોલેજ જતી વિદ્યાર્થીનીનું અકસ્માતમાં મોત થતા ચકચાર મચી જવા પામી છે.
Rajkot Accident : નવા 150 રિંગ રોડ પર જીવલેણ અકસ્માતમાં વિદ્યાર્થીનીનું કરુણ મોત, 2 કલાક મૃતદેહ રોડ પર પડ્યો રહ્યો - Rajkot Civil Hospital
રાજકોટની ભાગોળે બનેલા નવા 150 રિંગરોડ પર જીવલેણ અકસ્માત સર્જાયો છે. ટુ વ્હીલર પર જઈ રહેલી બે વિદ્યાર્થીનીઓને અડફેટે લઈ ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં એક વિદ્યાર્થીનીનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. જોકે, મૃતકના મિત્રોએ આક્ષેપ કર્યો છે કે, અકસ્માત અંગે તંત્રને જાણ કરવામાં આવી પરંતુ તેઓ બે કલાક પછી આવ્યા હતા.
Published : Oct 16, 2023, 2:41 PM IST
જીવલેણ અકસ્માત : આ ઘટના મામલે સનસાઈન ગ્રુપના વિદ્યાર્થી જયમીન નથવાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારી સ્કૂલના સંચાલકો અને વિદ્યાર્થીઓ સવારે 8 વાગ્યાથી અહીંયા છે. આ ઘટના સવારના 8 વાગ્યા આસપાસ બની અને ઘટના બની ત્યારે જ અમે તમામ લોકોને જાણ કરી હતી. જેમાં પોલીસ,108 સહિતની ટીમ 10 વાગ્યા બાદ અહીંયા આવી હતી. એવામાં સવાલ ઉભો થયો છે કે ઘટનાના બે કલાક બાદ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે કોઈનું મૃત્યુ થયું છે અને બે કલાક સુધી તંત્ર આ મામલે કોઈ કાર્યવાહી ન કરે તો તેનું જવાબદાર કોણ ? જ્યારે સમગ્ર ઘટના મામલે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તંત્ર પર ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
આશાસ્પદ વિદ્યાર્થીનીનું મોત :અકસ્માતના આ બનાવમાં હેત્વી ગોરડિયા નામની વિદ્યાર્થીનીનું મોત થયું છે. તેમજ જીનીશા નામની વિદ્યાર્થીનીને ગંભીર ઈજા થતાં તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બીજી તરફ ઘટના બાદ ટ્રકચાલક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો છે. જેને પોલીસ દ્વારા પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, શહેરની ભાગોળે મનપા તંત્ર દ્વારા નવા 150 ફૂટ રીંગ રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ વરસાદ બાદ આ રસ્તાનું ધોવાણ થઈ ગયું છે અને મોટા મોટા ગાબડા પણ જોવા મળી રહ્યા છે. એવામાં તંત્રની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.