ગુજરાત

gujarat

ETV Bharat / state

150 year old Zanana Hospital : રાજકોટની 150 વર્ષ જૂની ઝનાના હોસ્પિટલની કાયાપલટ, મળશે અત્યાધુનિક સારવાર - Rajkot News

રાજકોટ સિવિલ હોસ્પિટલનો ગાયનેક વિભાગ ટૂંક સમયમાં જુના ઝનાના હોસ્પિટલ કેમ્પસ ખાતેના નવ નિર્મિત બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવશે. સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની પ્રસૂતાઓ અને નવજાત બાળકોને એક છત્ર નીચે સંપૂર્ણ સારવાર સાથેના ‘’મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હેલ્થ” વિંગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

રાજકોટની 150 વર્ષ જૂની ઝનાના હોસ્પિટલની કાયાપલટ, મળશે અત્યાધુનિક સારવાર
રાજકોટની 150 વર્ષ જૂની ઝનાના હોસ્પિટલની કાયાપલટ, મળશે અત્યાધુનિક સારવાર

By ETV Bharat Gujarati Team

Published : Aug 30, 2023, 10:40 AM IST

રાજકોટની 150 વર્ષ જૂની ઝનાના હોસ્પિટલની કાયાપલટ, મળશે અત્યાધુનિક સારવાર

રાજકોટ:રાજકોટ સિવિલ હોસ્પિટલનો ગાયનેક વિભાગ ટૂંક સમયમાં જુના ઝનાના હોસ્પિટલ કેમ્પસ ખાતેના નવ નિર્મિત બિલ્ડિંગમાં શિફ્ટ થવા જઈ રહ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની પ્રસૂતાઓ અને નવજાત બાળકોને એક છત્ર નીચે સંપૂર્ણ સારવાર સાથેના ''મેટરનીટી એન્ડ ચાઈલ્ડ હેલ્થ'' વિંગની કામગીરી પૂર્ણતાને આરે છે. ત્યારે આ જનાના હોસ્પિટલ 150 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. જ્યાં રાજ્ય સરકાર દ્વારા અતિઆધુનિક નવી જનાના હોસ્પિટલ બિલ્ડીંગનું નિર્માણ કર્યું છે. જેનો લાભ આગામી દિવસોમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં દર્દીઓને થશે.

રાજકોટની 150 વર્ષ જૂની ઝનાના હોસ્પિટલની કાયાપલટ

"સ્વસ્થ બાળ અને સ્વસ્થ માતાની વિભાવનાને ચરિતાર્થ કરવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સંનિષ્ઠ પ્રયાસોથી રાજકોટમાં કોર્પોરેટ સ્ટાઈલમાં ગ્રાઉન્ડ પ્લસ 11 માળની ગુજરાતની સૌથી ઊંચી એમ.સી.એચ. હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથે નિર્માણ પામી રહી છે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છના મેટર્નલ અને બાળ દર્દીઓ માટે હોસ્પિટલમાં 500 બેડ ઉપરાંત વધારાના 200 બેડની સુવિધા સાથે કુલ 700 બેડની સુવિધા, સૌરાષ્ટ્રની પ્રથમ મિલ્ક બેન્ક, ટ્રાઈએઝ, થ્રી લેયર એન.આઈ.સી.યુ., ડી.ઈ.આઈ.સી., એન.આર.સી. પ્લે ગ્રાઉન્ડ સહિતની સુવિધા આ કેમ્પસમાં ઉપલબ્ધ કરાવાઈ છે."--આર.એસ. ત્રિવેદી ( સિવિલ સુપ્રિટેન્ડેન્ટ, રાજકોટ)

સિવિલમાં દર વર્ષે 8 હજારથી વધુ ડિલિવરી: સિવિલ અધિક્ષકે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે દર વર્ષે 8 હજારથી વધુ ડિલિવરી કરવામાં આવી રહી છે. જેમાં નોર્મલ ડીલેવરી માટે આ હોસ્પિટલ વિવિધ તકનીક સાથેનું રોલ મોડેલ બની રહેશે. અહીં મોડ્યુલર 8 ઓપરેશન થીએટર, સ્ત્રી રોગની સારવાર, સુપર સ્પેશિયાલિટી ડોક્ટરની ટીમ સાથે ઝીરો રેફરલ પોલિસી અપનાવાશે. પી.આઈ.યુ. ની કામગીરી પૂર્ણ થવામાં છે. આ સાથે અલગથી વીજ લાઈન, પાવર બેકઅપ માટે જનરેટર, ઓક્સિજન લાઈન, દર્દીના સગા માટે કેન્ટીનની વ્યવસ્થા વગેરે સવલતો પણ ઉભી કરવામાં આવી છે. જેનો લાભ હવે ટૂંક સમયમાં જ દર્દીઓને મળવા જશે.

શિશુ અને માતાની સારવાર:જ્યારે આ નવી હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગમાં નવજાત શિશુની સારવાર માટે એન.આઈ.સી.યુ ત્રણ લેવલમાં ઉભુ કરવામાં આવેલ છે. નવજાત શિશુ અને માતાની સારવાર માટે એક જ જગ્યાએ અલાયદો વોર્ડ, બાળકો માટે વેન્ટિલેટર સાથે 25 બેડનું આઈ.સી.યુ., મોટી ઉંમરના બાળકો માટે 44 બેડનું હાઈ ડિપેન્ડન્સી યુનિટ, પોર્ટેબલ સોનોગ્રાફી, ઇકો કાર્ડિયોગ્રાફી મશીન સુવિધા, ભારત સરકારની ઓપરેશનલ ગાઈડલાઈન મુજબનું ગુજરાતનું પ્રથમ શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ બાળકોની સારવાર માટેનું ડી.ઈ.આઈ. સેન્ટર, કુપોષિત બાળકોના વજન વધારવા માટેનું 25 બેડનું એન.આર. સેન્ટર, હિમોફેલિયા અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહી ચડાવવા માટેનો અલાયદો વિભાગ ઉપરાંત પીડિયાટ્રિક ન્યુરોસર્જિકલ અને સર્જીકલ વિભાગ, બાળકો રમત રમી શકે તે માટે પ્લે એરિયા, તેમજ એન.આઈ.સી.યુ. ટ્રેનિંગ માટે 100 બેઠકનું ટ્રેનિંગ સેન્ટર ઉપલબ્ધ કરવામાં આવ્યુ છે.

370 બેડ સાથેનો ગાયનેક વિભાગ ડીઝાઇન:સૌરાષ્ટ્ર -કચ્છના દર્દીઓની સંખ્યા પહોંચી વળવા સાથે ઉત્તમ સારવાર મળી રહે તે માટે 370 બેડ સાથેનો ગાયનેક વિભાગ ડિઝાઇન કરાયો છે. ગ્રાઉન્ડ ફ્લોર પર દર્દીનું રજીસ્ટ્રેશન, વેઇટિંગ કમ નોલેજ શેરિંગ, પ્રસુતિ અને સ્ત્રી રોગ ઈમરજન્સી સારવાર અર્થે 6 બેડનો ટ્રાએજ એરિયા, મમતા ક્લિનિક ઉપરાંત સોનોગ્રાફી, બ્લડ ટેસ્ટ સહિતની સુવિધા એક જ ફ્લોર પર ઉભી કરવામાં આવી છે. આ સાથે અન્ય ફ્લોર પર 9 ઓપરેશન થીયેટર બ્લોક, 18 બેડનો આગમન કક્ષ (પ્રસુતિ રૂમ), રિસ્કી ડિલિવરી માટે ક્વોલિફાઈડ નર્સીઝ દ્વારા ચાર બેડનો મીડ વાઈફ લેડ કેર યુનિટ, મમતા ક્લિનિક ઓ.પી.ડી.સહિત ઓલ ઈન વન સ્ટોપ સ્ટેશન, ગાયનેક ઓ.પી.ડી. કે જેમાં કેન્સર ક્લિનિક જેવા વિભાગો અલાયદા ઉભા કરવામાં આવ્યા છે. રાજકોટની ઝનાના હોસ્પિટલ ખરા અર્થમાં જરૂરિયાતમંદ મહિલા અને બાળ દર્દીઓનું સ્નેહસભર સારવારનું કેન્દ્ર ચોક્કસ બની રહેશે.

  1. Rajkot News : સૈનિક સ્કૂલ માટેની તૈયારી કરતા ધોરણ 6ના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત
  2. Rajkot News : રાજકોટ સિવિલના સ્ટ્રેચરમાં ભગવો કલર કરતા વિવાદની ભવાઈ, કેસરી કલર હટાવ્યો

ABOUT THE AUTHOR

...view details