રાજકોટ: હવામાન વિભાગની આગાહીને પગલે રાજકોટ શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. શહેરના અલગ અલગ રાજમાર્ગો પર પાણી ભરાયા હતા. જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં જોવા મળ્યા હતા.
અંડરપાસમાં પાણી ભરાતાં બંધ અંડરપાસમાં પાણી ભરાતાં બંધ:રાજકોટના પોપટપરા વિસ્તારમાં આવેલા અંડરપાસમાં પાણી ભરાયા હતા. ત્યારે આ અંડરપાસમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર દ્વારા આ અંડરપાસને બંધ કરવામાં આવ્યું હતું. શહેરના અલગ અલગ નીચાણવાળા વિસ્તારોમાં રૈયાચોકડી, મવડી ચોકડી, વાવડી, કોઠારીયા સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. જેને લઇને કોર્પોરેશન તંત્ર દ્વારા હાલ કામગીરી કરવામાં આવી રહી છે.
ફોફળ ડેમ ઓવરફ્લો: રાજકોટ જિલ્લાનો ફોફળ ડેમ ભારે વરસાદને ઓવરફ્લો થઈ ગયો છે. આથી હેઠવાસમાં આવતા જામકંડોરણા તાલુકાના દુધીવદર, ઈશ્વરીયા, તરવડા ગામ તેમજ ધોરાજી તાલુકાના વેગડી ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહિ કરવા તેમજ સાવચેત રહેવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલે જણાવ્યું છે.
છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ આજી-2 ડેમ 70% ભરાયો: રાજકોટ સિંચાઈ વર્તુળ તરફથી મળેલ સૂચના અનુસાર રાજકોટ તાલુકાના માધાપર ગામ પાસેના આજી-2 ડેમ સિંચાઈ યોજનામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમ 70% ભરાઈ ગયો છે. પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીસરડા, ડુંગરકા, ગઢકા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા, સખપર/2 તથા કોઠારીયા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તથા સાવચેત રહેવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જણાવાયું છે.
ગોંડલ તાલુકાનો વેરી ડેમ ઓવરફ્લો: ભારે વરસાદને કારણે ગોંડલ તાલુકાનો ગોંડલ ગામ પાસેનો વેરી ડેમ નિર્ધારિત સપાટીએ ભરાઈ ગયેલ છે અને 0.25 ફૂટે ઓવરફ્લો ચાલુ છે. ત્યારે ડેમની હેઠવાસ આવતા તાલુકાના ગોંડલ, કંટોલીયા અને વારા કોટડા ગામોના લોકોને નદીના પટમાં અવર - જવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના અપાઇ છે. જામજોધપુર તાલુકાના સિદસર ગામ પાસેનો ઉમીયાસાગર ડેમ પાસે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમ નિર્ધારીત સપાટીએ ભરાઈ ગયેલ હોવાથી ડેમનો એક દરવાજો 0.65 ફુટ ખોલવામાં આવ્યો છે. આથી હેઠવાસમાં આવતા ઉપલેટા તાલુકાના હરિયાસણ, ચરેલીયા, ખારચીયા (શહિદ), રાજપરા, રબારીકા, જાર સહિતના ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા મામલતદાર દ્વારા જણાવાયુ છે.
- India Rain Update: ઉત્તર ભારતમાં ભારે વરસાદથી તબાહી, હિમાચલ સૌથી વધુ પ્રભાવિત, દિલ્હીમાં જુલાઈમાં વરસાદનો 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
- Rajkot Rain: ઉપલેટામાં જિલ્લાનો સૌથી વધુ વરસાદ નોંધાયો, ડેમની જળ સપાટીમાં વધારો થતા મોજ અને વેણુ-2 ડેમના દરવાજા ખોલાયા