- ટેકાના ભાવે મગફળીની બુધવારથી ખરીદી પ્રક્રિયા શરૂ કરાશે
- રાજકોટમાં ગોંડલ માર્કેટ યાર્ડ સહિતની યાર્ડમાં મગફળીની ખરીદી થશે
- દરેક ખેડૂતો પાસેથી 2500 કિલો મગફળીની ખરીદી કરાશે
રાજકોટઃ રાજ્ય સરકાર બુધવારથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરશે. રાજકોટમાં એક કેન્દ્રમાં એક અધિકારી અને 4 કર્મચારી ફરજ બજાવશે. કેન્દ્ર પર CCTV કેમેરાથી મોનીટરીંગ કરવામાં આવશે. પહેલા બે-ત્રણ દિવસ થોડા ખેડૂતોને બોલાવવામાં આવશે, જે બાદ 50 થી 70 ખેડૂતોને બોલાવવામાં આવશે. પુરવઠા વિભાગ દ્વારા 140 ગોડાઉન રાખવામાં આવ્યા છે, અત્યાર સુધીમાં 95 હજારથી વધુ ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે.
રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં 22 સ્થળો પર મગફળીની ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે
રાજયમાં બુધવારથી ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ થશે, ત્યારે જિલ્લાના 11 તાલુકામાં કુલ 22 સ્થળો પર મગફળીની ખરીદી કરવામાં આવશે. તમામ કેન્દ્ર પર વર્ગ-2 ના અધિકારી દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે. વર્ગ-3 તેમજ નિગમના અધિકારીઓ પણ હાજર રહેશે. તમામ સ્થળો માટે અગાઉથી શહેર પોલીસ તેમજ જિલ્લા પોલીસ વડા પાસેથી પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી છે. મગફળી ખરીદી થયા બાદ 150 જેટલા ગોડાઉનોમાં મગફળી રાખવામાં આવશે, તેમજ જરૂર પડ્યે વધુ ગોડાઉન ભાડે રાખવામાં આવશે. શરૂઆતમાં ખેડૂતો ઓછા પ્રમાણમાં બોલાવવામાં આવશે ધીમે ધીમે રોજના 100 ખેડૂતોને બોલાવવામાં આવશે.