ખરેખર ઘટના એવી છે કે ગોંડલના મહાદેવ વાડી વિસ્તારમાં ગટરના પાણી અવાર-નવાર ઉભરાય છે. જે સંદર્ભે વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. તેના કારણે રોષે ભરાયેલા નગરપાલિકાના જ પૂર્વ પ્રમુખ મનસુખભાઈ સખીયાએ આજે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. તેમણે પાલિકામાં ગંદા પાણી સાથે ઘુસીને ચીફ ઓફિસરની કેબિન, ચેમ્બર અને પગ સુધી ગંદુ પાણી વેળ્યું હતુ. તેમજ સામાન્ય નાગરિકોના પગ નીચે ગંદુ પાણી આવતું હોય તો પાલિકા ઓફિસરના પગ નીચે પણ આવવું જોઈએ તેમ જણાવ્યું હતુ.
પાલિકામાં ગંદુ પાણી વેળતાની સાથે જ સમગ્ર પાલિકા કચેરી ગંદી થઈ હતી. જેના કારણે તમામ કર્મચારીઓએ પેન ડાઉન હડતાલ શરૂ કરી દીધી હતી. બાદમાં વર્તમાન સત્તાધીશોએ ઘટનાને વખોળી કાઢી હતી, અને ચીફ ઓફિસરે પૂર્વ પાલિકા પ્રમુખ સામે ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યારપછી કર્મચારીઓએ કામકાજ શરૂ કર્યું હતુ.