રાજકોટઃ હાલ કોરોનાની મહામારી દરમિયાન તમામ વર્ગના લોકો આર્થીક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેને લઈને રાજકોટ જિલ્લા કિસાન સંઘ દ્વારા વર્તમાન પરિસ્થિતિમાં ખેડૂતોને પોતાના પાકના પુરતા ભાવ મળી રહ્યા નથી.
રાજકોટ કિસાન સંઘના 25 કાર્યકર્તાઓની કરાઈ અટકાયત બીજી તરફ ખેડૂતોએ લીધેલા ધિરાણની તારીખ પણ નજીક આવી રહી છે. આવા અનેક ખેડૂતોના પ્રશ્નો લઈને રાજકોટ કિસાન સંઘના નેતાઓ અને કેટલાક ખેડૂતો મંગળવારે બહુમાળી ભવન નજીક આવેલા સરદાર પટેલની પ્રતિમા પાસે એકઠા થયા હતા.
સંઘના આગેવાનો વિરોધ પ્રદર્શન કરવા પાકને રસ્તા પર ઢોળે તે પહેલા જ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી, પરંતુ પોલીસ અને કાર્યકરોની ઝપાઝપીમાં ખેડૂતો દ્વારા લસણ રસ્તા પર ઢોળવામાં આવ્યું હતું. આ સમયે પોલીસે પણ કડક કાર્યવાહી કરીને 25 જેટલા ખેડૂતો અને કિસાન સંઘના આગેવાની અટકાયત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી કિસાન સંઘ દ્વારા ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ મુદ્દે પ્રશ્નો ઉઠાવીને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવી રહ્યા છે, પરંતુ કોઈ ઉકેલ ન આવતા મંગળવારે કિસાન સંઘ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.