- ઉપલેટામાં લેબોરેટરી સંચાલકો પર લાગ્યા ગંભીર આક્ષેપો
- ભાવ વધારાના આક્ષેપો સાથે કોંગ્રેસનું ધરણા પ્રદર્શન
- દર્દીઓ પાસેથી મસમોટી ફી લેવાના છે ગંભીર આક્ષેપો
ઉપલેટા: હાલ રાજ્ય, દેશ અને આખી દુનિયામાં કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે લોકોની આરોગ્યની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઇ રહી છે. આવી મહામારીના સમયમાં પણ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં લેબોરેટરી સંચાલકો દ્વારા લૂંટ ચલાવાતી હોવાના ગંભીર આક્ષેપ સામે આવી રહ્યા છે. જેને લઈને ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા ઉપલેટા મામલતદાર કચેરી સામે ધરણા પ્રદર્શન યોજાયા હતા.
ઉપલેટામાં લેબોરેટરી સંચાલકો દ્વારા ભાવ વધારાને લઈને કોંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શન ઉપલેટામાં લેબોરેટરી સંચાલકો આચરી રહ્યાં છે ગેરરીતિ: ઉપલેટા શહેર કોંગ્રેસ
કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે, ઉપલેટા શહેરમાં લેબોરેટરી સંચાલકો દર્દીઓ પાસેથી લૂંટ ચલાવે છે અને ઘણી એવી પણ લેબોરેટરી છે કે જ્યાં ગેરકાયદેસર રીતે કોઈપણ જાતની ડિગ્રી કે કોઈ પણ જવાબદાર વ્યક્તિ વગર જ રિપોર્ટ બને છે અને દર્દીઓને આપવામાં આવે છે. આ સાથે તેમની પાસેથી મસમોટી ફી પણ વસુલવામાં આવી રહી છે, એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે આવા આક્ષેપોને લઈને અગાઉ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ નિવેડો નહીં આવતા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું છે.