રાજાશાહીયુગમાં મહારાજા સર ભગવતસિંહજી પોતાના રાજ્યમાં ફરજીયાત કન્યા કેળવણીની અમલવારી કરાવતા હતા. બીજીતરફ વર્તમાન સરકાર સર્વ શિક્ષાના પોકળ નારાઓ લગાવી રહી છે. તેમ છતાં ધોરાજીના ત્રણ દરવાજા મેઈન બજારમાં આવેલ પ્રાથમિક શાળા નંબર-1 ભગવતસિંહજી શાળા અને શાળા નંબર આઠ આવેલ છે એ સાત રૂમ સાથેનું સ્કૂલ બિલ્ડીંગ ખંઢેર થઈ ગયું છે.
શાળા 'ખંડેર'-શિક્ષણ 'ઢેર', તો શું આમ જ ભણશે ગુજરાત?
રાજકોટ: એક બાજુ વિદ્યાર્થીઓના વાલીઓની ખાનગી શાળાઓમાં પોતાના બાળકોને અભ્યાસ કરાવવાની દોટ અને બીજી તરફ સરકારના સર્વ શિક્ષાના સરકારના પોકળ નારાઓ વચ્ચે આજે સરકારી શાળાઓનું શિક્ષણ આજે કથળતું જોવા મળી રહ્યું છે, ત્યારે ગોંડલના કેળવણી પ્રિય રાજવી મહારાજા સર ભગવતસિંહજીની ધોરાજીમાં 1854માં કાર્યરત થયેલ શાળાના કથળતા જતાં શિક્ષણ અને વિદ્યાર્થીઓની ઘટતી જતી સંખ્યા વચ્ચે શાળાની હાલત ખંઢેર થઈ ગઈ છે.
જેમને લઈને ન છૂટકે સ્કૂલ બિલ્ડીંગને અલીગઢ તાળા મારવાની ફરજ પડી છે. પ્રાશાથમિક શાળામાં દિવસેને દિવસે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડાની સાથે ધોરણ 1થી 5માં માત્ર 10થી 15 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. બીજીતરફ શાળા નંબર આઠ આવેલ છે. તેમાં માત્ર આઠમાં ધોરણના વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલી રહ્યો છે. ત્યારે બંને સ્કૂલના ખંઢેર બનેલા સ્કૂલ બિલ્ડીંગની વચ્ચે છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓનું સ્થળાંતર કરીને જેતપુર રોડ પર આવેલ કન્યા વિદ્યાલયમાં ગણ્યા ગાઠ્યાં રૂમો ફાળવીને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
સરકાર ભલે સર્વ શિક્ષાના નારાઓ લગાવે પરંતુ ધોરાજીની રાજવી કાળની શાળાના શિક્ષકોની નવા સ્કૂલ બિલ્ડીંગ માગ તંત્ર અને સરકારના બહેરા કાને અથડાઈ રહી છે. આ સાથે અન્ય વિદ્યાર્થીઓ લેવામાં આવતી બોર્ડની પરીક્ષા વેળાએ ન છૂટકે વિદ્યાર્થીઓને ફરી જૂના ખંઢેર સ્કૂલ બિલ્ડીંગમાં સીફ્ટ કરવામાં આવતા હોવાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે.