રાજકોટઃસૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ એવી રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. અહીં ફરજ દરમિયાન એક તબીબ દારૂ પીધેલી હાલતમાં દર્દીઓની તપાસ કરતો ઝડપાયો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસે અહીં આવીને તપાસ શરૂ કરી હતી. જ્યારે સિવિલ હોસ્પિટલમાં તબીબ જ દારૂના નશામાં ફરજ ઉપર આવવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. નશાની હાલતમાં ઝડપાયલો તબીબ 11 માસના કરાર આધારિત છે.
આ પણ વાંચોકોરોનાને પહોંચી વળવા રાજકોટ સિવિલ હોસ્પિટલ સજ્જ, 100 બેડનો વોર્ડ તૈયાર કરાયો
દારૂના નશામાં તબીબ દર્દીઓની કરતો તપાસઃરાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેડીકલ ઑફિસર તરીકે ફરજ બજાવતો ડૉ. સાહિલ ખોખર નશાની હાલતમાં હતો. તેની જાણ પોલીસને થતા પોલીસે હોસ્પિટલમાં જઈને તપાસ કરી હતી. તે દરમિયાન ફરજ પર રહેલો ડૉ. સાહિલ કેફી પીણું પીધેલી હાલતમાં મળ્યો હતો. જ્યારે તેના કબાટની તપાસ કરાઈ તો તેમાંથી પણ દારૂ મળી આવ્યો હતો. આ મામલે રાજકોટ પ્રદ્યુમન નગર પોલીસે પોલીસ ફરિયાદ નોંધી હતી. આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં ફરજ પર રહેલા તાબીબ જ નશાની હાલતમાં દર્દીઓની તપાસ કરતા હોવાની ઘટના સામે આવતા ફરી એક વખત સિવિલ તંત્ર ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે.